ડૉક્ટર્સ ડેના દિવસે જ મુલુંડના મહિલા ડોક્ટરની આત્મહત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવીછે. એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતા અને મુલુન્ડમાં જ રહેતા ૪૪ વર્ષીય ગાયનેકોલોજીસ્ટ ડો. શુભાંગી સમીર વાનખેડેએ મંગળવારે રાત્રે પૂણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર વાઘવાડી જંક્શન પાસે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે યોગાનુયોગ તેજ દિવસે ડૉક્ટર્સ ડે હતો.
ડો. શુભાંગીએ પોતાનો ડાબો હાથ અને ગળા પર બ્લેડ વડે નસ કાપીને મોતને વહાલું કર્યું હતું. તેઓ ૨ જુલાઈના ૯.૩૦ વાગ્યાની આસપાસ હાઈવે પર લોહીના ખાબોચિયામાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. મોટા પ્રમાણમાં લોહી વહી જતાં તેમનું મૃત્યુ થયું હતું. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસના જણાવ્યા મુજબ ૨ જુલાઈના ડો. શુભાંગી હોસ્પિટલમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા પરંતુ તેમણે હોસ્પિટલમાં જવાને બદલે ગાડી સીધી પૂણે-બેંગલુરુ હાઈવે પર ઈસ્લામપુર નજીક વાઘવાડી જંક્શન તરફ લીધી હતી અને ત્યારબાદ તેમણે હાથ અને ગળા પર બ્લેડ વડે-નસ કાપીને આત્મહત્યા કરી હતી. જોકે એવી શંકા છે કે ડો. શુભાંગીના ઘરમાં છેલ્લાં કેટલાક દિવસોથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો, જેને પગલે તેમણે આવું ઘાતકી પગલું ભર્યું હોઈ શકે. પરંતુ ઈસ્લામપુર પોલીસ હાલમાં આ આત્યંતિક નિર્ણય પાછળનું ચોક્કસ કારણ જાણવા સંપૂર્ણ તપાસ કરી રહી છે.
પોલીસને ડો. શુભાંગીની કારમાંથી તેમનું આઈ કાર્ડ મળી આવ્યું હતું. શુભાંગી તેમના ડોક્ટર પતિ સમીર અને પુત્ર-પુત્રી સાથે રહેતા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ કોરોના બાદ તેઓ વ્યવસાયિક તણાવને કારણે ડિપ્રેશનમાં સરી પડયા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

For more details… Contact 9322529232 / 9324483455
