મુલુંડ ઈસ્ટ સ્થિત થાણેકર વાડી એરિયામાં રહેતા અને નવી મુંબઈની સ્કૂલમાં વાઈસ પ્રિન્સીપાલના પદ પર કામ કરતા રીટા શર્માના વોટ્સએપ ક્રમાંક પ૨ ૨૨ જૂન ૨૦૨૫ના શિવાની એચ.આર. નામની એક અજાણી મહિલાએ હાય, હાઉ આરયુ… નો મેસેજ કર્યો અને તેણે સોશિયલ મીડિયા પરની પોસ્ટને રેંકિંગ કરીને ઓનલાઈન પ્રતિ રેંકિંગના રૂા.૨૦૦ કમાવાની તક હોવાનું જણાવ્યું હતું.
રીટા શર્માએ કામ કરવાની ઈચ્છા દર્શાવતા તેમને ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. જેના એડમીન નેહાના કહેવા મુજબ લિંક ઓપન કરીને તેનો સ્ક્રીનશોટ લઈને નેહાને મોકલ્યો જેણે રૂા.૨૦૦ રીટા શર્માના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા જેથી શર્માને તેના પર વિશ્વાસ બેઠો.

ત્યારબાદ શર્માને અન્ય એક ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. ૨૪ જૂન ૨૦૨૫ના શર્માને તે ગ્રુપમાં રૂા.૧૦૦૦નું રોકાણ કરવાનું કહ્યું તેના બદલામાં શર્માએ રૂા.૧૪૦૦ કમાયા. આ રીતે થોડીક રકમ કમાતા શર્માએ વિવિધ ટાસ્ક પર્ફોમ કરવા માટે થોડા-થોડા કરીને રૂા.૨,૦૭,૦૦૦નું રોકાણ કરી દીધું અને જ્યારે તેમણે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે સર્વર ડાઉન હોવાથી હમણાં ઉપાડ શક્ય થશે નહીં એવું નેહાએ જણાવ્યું હતું.
૨૫ જૂનના શર્માને તેમની જમા થયેલી રકમ ઉપાડવા માટે વધુ રૂા.૩૪,૪૦૦ ચૂકવવાનું કહેવામાં આવ્યું પરંતુ શર્માએ તેને માટે નનૈયો ભણતા સામેવાળી વ્યક્તિએ તેમના પૈસા મળશે નહીં એવું જણાવતાં શર્માને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અંદાજો આવી ગયો અને તેમણે નવઘર પોલીસ સ્ટેશનમાં સાયબર ગઠિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
