કચ્છી નવું વર્ષ અષાઢી બીજના નવુ નાટક ‘ખટમીઠયું લાગણિયું’ રજૂ કરવા જઈ રહ્યું છે. કચ્છમાં વરસાદનું ખૂબ જ મહત્ત્વ છે, એને લગતી એક કહેવત છે કે ‘અષાઢી બીજ – કાં વાદળ કાં વીજ, ધાન વેચી ધન કરો – લ્યો બળદ ને બીજ’. ચાર -પાંચ પેઢી પહેલાં જ્યારે કચ્છીઓ કચ્છમાં ખેતીવાડી પર નિર્ભર રહેતા ત્યારે વરસાદ શરૂ થાય ને ઘરે લાપસી રંધાય, જાણે નવું વર્ષ, નવી અપેક્ષાઓ ઉમંગ સાથે ઉજવણી થતી.
વરસાદના અભાવે જ્યારે ઉપરાઉપરી દુષ્કાળનો સામનો કરવાનો આવ્યો ને મોટે પાયે હિજરત ચાલુ થઈ, મોટા ભાગના મુંબઈમાં આવી વસ્યા. હજી પણ અષાઢી બીજને નવું વર્ષ તરીકે ઊજવવાની પરંપરા ચાલુ છે. મુંબઈમાં વસ્યા બાદ ઉત્તરોત્તર નવી પેઢીમાં કચ્છી ભાષા ભુલાતી ગઈ, અને ગુજરાતી તથા ઇંગ્લિશ ભાષા બોલાતી થઈ.

કચ્છ યુવક સંઘે કચ્છી ભાષાને જીવંત રાખવા કચ્છી નાટકનું નિર્માણ ચાલુ કર્યું. છેલ્લાં ૩૨ વર્ષથી દર અષાઢી બીજના એક નવું કચ્છી નાટક એક સમાજલક્ષી વિષય પર રજૂ કરવાની પરંપરા હજી પણ ચાલુ છે. આ નાટકમાં પ્રોફેશનલ કલાકારોને ન લેતાં, સમાજના બાળકો કે જેઓ ઇંગ્લિશ મિડિયમમાં ભણે છે, જેઓને સ્ટેજનો કોઈ અનુભવ નથી, અને પહેલી વાર સ્ટેજ પર લાઈવ પર્ફોર્મન્સ આપે, અને તે પણ શુદ્ધ કચ્છી ભાષામાં ડાઈલોગ બોલે, તેઓને તૈયાર કરી રજૂ કરે છે.
આવા કેટલાય નવોદિત કલાકારો આજે પ્રોફેશનલ કલાકાર બની સફળતાના શિખરે પહોંચ્યા છે, જેમાંથી અમુક ગુજરાતી તખ્તા પર તો કેટલાક હિન્દી તથા ગુજરાતી સિરિયલમાં કામ કરી રહ્યા છે. આ વર્ષે પણ ૨૬ જૂનથી મુંબઈ અને પરામાં આ નાટક નિઃશુલ્ક ધોરણે બતાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વસંત મારુ કે જે સતત ૩૨મા નાટકમાં ડાયરેક્ટરની ભૂમિકામાં છે, જે આ વર્ષે લેખકની પણ ભૂમિકામાં આવી રહ્યા છે. ડો. વિશન નાગડા પ્રોફેશનલ ડોકટર તરીકે સેવા આપી રહ્યા છે, તેઓ પણ કચ્છી ભાષાના વિસરાતા જતા શબ્દોનો એક કોષ બનાવી રહ્યા છે, તેઓ આ નાટકના ડાઈલોગ ભાષાંતર કરી આપ્યા છે.સહ દિગ્દર્શન સને કો-ઓર્ડિનેટર તરીકે કવન સાવલા છે. ૧૩ નવા કલાકારોનો કાફલો આ નાટકમાં અભિનયના ઓજસ પાથરશે.
26 જૂન, 3, 6, 20 જુલાઈએ રાત્રે 8.30 વાગ્યાથી મીરા રોડમાં લતા મંગેશકર નાટ્યગૃહ, 27 જૂન, 8 જુલાઈએ રાત્રે 8.30થી યશવંત નાટ્યગૃહ, માટુંગા, 30 જૂન, 12, 21 જુલાઈએ રાત્રે 8.30થી ઘાટકોપરમાં ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, 1 જુલાઈએ વાશીમાં વિષ્ણુદાસ ભાવે ઓડિટોરિયમ, 4, 18મીએ મુલુંડ કાલીદાસમાં, 7, 11મી પાર્લા દીનાનાથમાં, 10, 22મીએ મલાડના અસ્પીમાં, 16મીએ સાંગલી ભાવે ઓડિટોરિયમ, 25મીએ કલ્યાણ આચાર્ય અત્રે ઓડિટોરિયમમાં. નાટકના વધુ પ્રયોગો મુંબઈ તથા બહારગામમાં પણ ભજવવામાં આવશે. દિવાળી પર્વ દરમિયાન કચ્છ ખાતે ૫ થી ૬ શો કરવામાં આવશે.

For more details… Contact 9322529232 / 9324483455
