લોકલ ટ્રેનમાં વધતા ટિકિટ વિના મુસાફરી કરનારા ખુદાબક્ષોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે વધતા ગુનાના નિયંત્રણ માટે ફર્સ્ટ ક્લાસના કોચમાં ચેકિંગ કરવાનું શરુ કર્યું છે, તેનાથી ખુદાબક્ષોમાં ડરનો માહોલ ઊભો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકલ ટ્રેનના કોચમાં ખુદાબક્ષોની સંખ્યા ઘટવાની સાથે દંડ વસૂલવાને કારણે રેલવેને પણ ફાયદો થઈ રહ્યો છે.
મધ્ય રેલવે ઉપનગરીય ટ્રેનોમાં ખુદાબક્ષ પ્રવાસીઓને પકડવા વખતોવખત વિશેષ અભિયાન ચલાવતું રહે છે, અને તેમાં લાખોના દંડની વસુલાત પણ થાય છે. તેમ છતાં ટિકિટ વિના પ્રવાસ કરતા અથવા સેકન્ડ ક્લાસની ટિકિટ લઈને ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરતા મુસાફરો વિશે પણ રેલવેને વારંવાર ફરિયાદો મળતી હતી. વધુ આરામદાયક મુસાફરી માટે વધુ રૂપિયા ખર્ચતા પ્રામાણિક મુસાફરોને તેના કારણે હાડમારીનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રેલવે એક્ટિવ મોડમાં આવી ગઈ છે.

મધ્ય રેલવેના મુંબઈ વિભાગે તેના પ્રથમ વર્ગના ઉપનગરીય મુસાફરોના ધોરણો જાળવવા માટે એક સાહસિક અને નિર્ણાયક પગલું ભર્યું છે. ગયા સોમવારથી ઉપનગરીય ટ્રેનોના ફર્સ્ટ ક્લાસ કોચમાં કેન્દ્રિત ટિકિટ ચકાસણી ઝુંબેશ શરુ કરવામાં આવી છે.
ભીડના સમયે ઉપનગરીય લોકલ ટ્રેનોના ફર્સ્ટ ક્લાસ કોચમાં RPF કર્મચારીઓ સાથે મુંબઈ ડિવિઝનની ટિકિટ ચેકિંગ સ્ક્વોડને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવી હતી. સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન મેઈન લાઇન, હાર્બર લાઇન અને ટ્રાન્સ-હાર્બર લાઇન પર ટ્રેનોના ફર્સ્ટ ક્લાસ કોચમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મધ્ય રેલવેએ 41 ટિકિટ ચેકિંગ કર્મચારીઓ અને 7 RPF કર્મચારીની બનેલી ખાસ ટીમે 16 જૂનથી 24 જૂન સુધી 103 ઉપનગરીય ફેરીમાં ચેકિંગ કર્યું હતું, તેમાં અનિયમિત મુસાફરીના કુલ ૯૮૪ કેસ મળ્યા હતા અને ૩.૧૮ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ પહેલનું એક મુખ્ય પરિણામ એ આવ્યું હતું કે જે ટ્રેનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યાં અનિયમિત મુસાફરીના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. કોચમાં ટિકિટ ચેકિંગ સ્ટાફની સ્પષ્ટ હાજરીના કારણે રેલવેએ ટિકિટ વિન્ડો વેચાણમાંથી આવકમાં 10 ટકાની વૃદ્ધિ પણ જોવા મળી છે.
For more details… Contact 9322529232 / 9324483455
