5 મિનિટ માટે આ રીતે પગ રાખી બોડીને રિલેક્સ કરવાનું શરુ કરવાથી શરીરની નાની-મોટી અનેક સમસ્યા દુર થવા લાગે છે. ખાસ તો શરીરની 4 મુખ્ય સમસ્યાનું સમાધાન થઈ જાય છે.
સવારથી રાત સુધીની દોડધામ ભરેલી જિંદગી, ઓફિસમાં કામનો સ્ટ્રેસ, માનસિક ચિંતાઓ, ઓછી ઊંઘના કારણે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. આ બધી જ સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળ છે. યોગ કરવાથી માનસિક ચિંતા દૂર થાય છે અને શરીર નિરોગી રહે છે એ વાત સૌ કોઈ જાણે છે. તેમ છતાં નિયમિત યોગ કરી શકાતા નથી. કારણ કે યોગના કેટલાક આસન મુશ્કેલ હોય છે અને તેને માર્ગદર્શન વિના કરવા શક્ય નથી. પરંતુ ખૂબ ઓછા લોકો એવા જાણે છે કે એક આસન એવું પણ છે જે કરવામાં ખૂબ જ સરળ છે અને તેનાથી શરીરને ફાયદા પણ થાય છે.

વિપરીતકરણી સરળ યોગ મુદ્રા છે. આ યોગમુદ્રાનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરની 4 ગંભીર સમસ્યાનું સમાધાન મળી જાય છે. વિપરીતકરણી મુદ્રામાં દિવાલના ટેકે પગને ઉપરની તરફ ઉઠાવીને રાખવાના હોય છે. આ એક્સરસાઇઝ કરવામાં ખૂબ જ ઇઝી છે. તેનાથી શારીરિક અને માનસિક ફાયદા થાય છે.
આ આસન કરવા માટે તમારે યોગા મેટ કે અન્ય કોઈ સાધનની પણ જરૂર નહીં પડે. ઘરની શાંત જગ્યા હોય ત્યાં દિવાલના ટેકે પગને ઉપરની તરફ ટીંગાળીને રાખવાના છે. પગને એવી રીતે રાખવા જેથી શરીરમાં 90° નો કોણ બને. પગને દીવાલના ટેકે રાખ્યા પછી શરીર અને હાથને ઢીલા છોડી દો અને આંખ બંધ કરી ઊંડા શ્વાસ લેવા અને છોડવાનું રાખો. આ રીતે નિયમિત 5 મિનિટ માટે પણ આ કસરત કરી લેશો તો શરીરને ચાર સૌથી મોટા ફાયદા થશે.
બ્લડ સર્ક્યુલેશન સુધરશે
જ્યારે પગ ઉપરની તરફ ઉઠાવેલા હોય છે તો ગુરુત્વાકર્ષણથી વિપરીત રક્ત શરીરમાં વહે છે. આ મુદ્રામાં પગમાં જામેલું લોહી હૃદય તરફ પરત જાય છે. પરિણામે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરી જાય છે. આ મુદ્રા કરવાથી પગમાં જે ભારીપણું અનુભવાય છે તેમાં પણ રાહત થાય છે.
તણાવ અને ચિંતા દૂર થશે
આ પોઝ કરવાથી શરીર પૂર્ણ વિશ્રામ સ્થિતિમાં આવી જાય છે. ઊંડા શ્વાસ લેવાથી નર્વસ સિસ્ટમ શાંત થાય છે અને માનસિક ચિંતા ઓછી થઈ જાય છે.

ઊંઘની ગુણવત્તા સુધરે છે
જો રાત્રે ઊંઘ આવવાની સમસ્યા હોય અથવા તો વારંવાર ઊંઘ ખુલી જતી હોય તો આ આસન રાત્રે સુતા પહેલા કરવો. તેનાથી શરીર અને મગજ રિલેક્સ થઈ જશે અને ઊંઘની ગુણવત્તા સુધરશે.
પાચન તંત્ર માટે લાભકારી
પગ ઉપરની તરફ ઉઠાવવાથી પેટના અંગો પર હળવું દબાણ આવે છે. જેના કારણે પાચન તંત્ર સક્રિય થઈ જાય છે. આ એક્સરસાઇઝ નિયમિત કરવાથી ગેસ, અપચો, પેટ ફુલવું જેવી સમસ્યાથી રાહત મળી જાય છે. જે લોકોને પાચનની તકલીફો હોય તેમણે પણ આ યોગ નિયમિત કરવો જોઈએ.

For more details… Contact 9322529232 / 9324483455
