મુમ્બ્રા રેલવે સ્ટેશન નજીક લોકલ ટ્રેનમાંથી પડી જવાથી થયેલા ટ્રેન અકસ્માતમાં ચાર મુસાફરોનાં મોત થયાં હતાં અને નવ અન્ય ઘાયલ થયા હતા. મૃતકોમાં થાણેના 44 વર્ષીય આઇટી એન્જિનિયર મયુર શાહનો પણ સમાવેશ થાય છે. મયુર શાહનું ડોંબિવલીમાં ઘર ખરીદવાનું સ્વપ્ન હતું. આ માટે તે સોમવારે ડોંબિવલી જવા નીકળ્યો હતો. જોકે, તેનો હાથ લપસી ગયો અને તે ટ્રેનમાંથી પડી ગયો અને મોતે ભરખી લીધો.

કસારાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી લોકલ ટ્રેનમાં બહુ ભીડ હતી. આ કારણે કેટલાક મુસાફરો ટ્રેનમાં ફૂટબોર્ડ પર લટકીને પ્રવાસ કરતા હતા. મુમ્બ્રા સ્ટેશને પહોંચ્યા પછી આ ટ્રેનના પ્રવાસીઓ અને સીએસએમટી તરફથી આવતી બીજી લોકલના મુસાફરો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં 13 જણ નીચે પડી ગયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં થાણેના ઘોડબંદર રોડ વિસ્તારમાં રહેતા મયુર શાહ (44)નો સમાવેશ થાય છે. મયુર વિદ્યાવિહારમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તે અપરિણીત હતો અને તેની માતા સાથે રહેતો હતો અને તેને બે બહેનો છે. બહેનો પરિણીત છે અને મયુર પોતે અપરિણીત હતો.
મયુર શાહ ડોમ્બિવલીમાં ઘર ખરીદવાની તૈયારીમાં હતો. તેના પરિવારના સભ્યોએ અનુમાન લગાવ્યું છે કે તે ઘર વેચનાર વ્યક્તિને મળવા માટે ડોમ્બિવલી ગયો હશે. મુસાફરી દરમિયાન, ટ્રેનના દરવાજા પાસે ઊભો હતો ત્યારે તેનો હાથ લપસી ગયો અને તે નીચે પડી ગયો અને ઘટનાસ્થળે મૃત્યુ થયું.

22 વર્ષ પહેલાં પિતાનું અવસાન થયું હતું
આ કેસમાં, મયુર શાહના સાળા સંતોષ દોશીએ માહિતી આપતાં કહ્યું, “મયુર તેની માતા સાથે થાણેમાં રહેતો હતો. તેના પિતાનું 22 વર્ષ પહેલાં અવસાન થયું હતું. તે વિદ્યાવિહારમાં કામ કરતો હતો. તે ડોંબિવલીમાં ઘર ખરીદવા માગતો હોવાથી, તે ક્યારેક ઘરના માલિકને મળવા ડોંબિવલી જતો. સોમવારે સવારે પણ તે આ કામ માટે ગયો હશે અને તે દરમિયાન, આ અકસ્માત થયો. પોલીસે અમને આ અકસ્માત વિશે જાણ કરી.”
