દક્ષિણ મુંબઈના વી. પી. રોડના રસ્તાઓ પર રવિવારે સેંકડો જૈન સાધુ- સાધ્વીજી ભગવંતો અને હજારો જૈનોથી ઊભરાઈ ગયો હતો. ખાસ કરીને જૈન પુરુષો સફેદ વસ્ત્રો અને મહિલાઓ લાલ સાડીઓમાં જોવા મળી હતી.
ભારતભરના કરોડો જૈનોની વ્યથાની લાગણીને વાચા આપવા માટે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને શાસન સૈનિક પરિવાર દ્વારા યોજાયેલી આ મહારેલીને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ લીલી ઝંડી બતાવીને પૂજ્ય ગુરુદેવોનાં માંગલિક પ્રવચનો પછી શરૂઆત કરવામાં આવી હતી.
આદિત્ય એવેન્યુ વી. પી. રોડથી શરૂ થયેલી આ રેલીમાં નાના બાળકોથી લઈ મોટેરાઓ વિશાળ શાસનધ્વજ અને અનેક પ્લેકાર્ડસ લઈને જૈનમ જયતિ શાસનમના નારા સાથે, નહીં ચલેગી, નહીં ચલેગી, સાધુ હત્યા નહીં ચલેગીના જયઘોષ સાથે રિલાયન્સ હોસ્પિટલ સર્કલ, એસ. વી. પી. રોડ, ગોકુલધામ હોટેલ, નાનુભાઈ દેસાઈ રોડ, માધવબાગ, સી. પી. ટેન્ક સર્કલ, ભૂલેશ્વર ગોડીજી જૈન મંદિરમાં ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી.જૈનાચાર્ય પુંડરીક રત્નસૂરીશ્વરજી, શ્રી અભિનંદન મુનિશ્રીએ કથિત હત્યાને એક્સિડેન્ટલ મૃત્યુમાં ખપાવવાનું જે કાવતરું કરવામાં આવ્યું અને છેલ્લાં 10 વર્ષમાં પચાસથી વધુ મહાત્માઓની એકસરખી રીતરસમથી જે પ્રમાણે હત્યા કરવામાં આવી છે તેની સામે સભામાં ખૂબ આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

સભામાંથી જૈનોની લાગણીનો પડઘો : મંગલપ્રભાત લોઢીએ મુખ્ય મંત્રી સાથે ફોન પર વાત કરીને સભામાંથી જૈનોની લાગણીનો પડઘો પાડ્યો હતો અને રાજસ્થાનના રાજ્યપાલ સાથે પણ સ્પીકર ફોનમાં વાત કરીને આઈજી સ્તરના પોલીસ અધિકારીની હાજરીમાં સ્થાનિક જૈન આગેવાનને સાથે રાખીને રાજ્ય સ્તરની એસઆઈટીની સ્થાપના કરવામાં આવે અને આ હત્યાઓના મૂળમાં રહેલાં તત્ત્વોની ધરપકડ કરવામાં આવે એવી વાત પૂજ્ય ગુરુ ભગવંતોએ રાજ્યપાલને કરી હતી.
યોગ્ય પગલાં લેવા કટિબદ્ધતાનું આશ્વાસન : બંને જગ્યાથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે અમે આ બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં લેવા કટિબદ્ધ છીએ. અને રવિવારની રજા હોવા છતાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહિલા જિલ્લાધિકારીને આવેદનપત્ર સ્વીકારવા માટે મોકલ્યાં હતાં અને તેમણે પણ આ બાબતમાં ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું.
દરેક જૈનને શાસન સુરક્ષા કરવા અપીલ : જૈનાચાર્ય શ્રી રાજપરમસૂરીશ્વરજી મહારાજા સાહેબે પ્રત્યેક જૈનોને આવી બાબતમાં પોતાનો રોષાગ્નિ પ્રગટ કરી શાસન સુરક્ષા કરવા અને આગળ આવવા અપીલ કરી હતી. આચાર્ય ભગવંત શ્રી અક્ષયચંદ્રસાગરસૂરિજી મહારાજ સાહેબે કહ્યું હતું કે અમે જૈનોને કાયદાઓ પાળવાની સમજ આપીએ છીએ. આ જ રીતે સાધુ ભગવંતોની આવી નિર્મમ હત્યાનો અવાજ સરકાર સુધી પહોંચવો જોઈએ.
હવે કેસરિયા કરવાની જરૂર છે: ગણિવર્ય જિનરત્ન વિ.મ.સા.ના શિષ્યરત્ન પ્રભુશાસન વિજયજીએ માર્મિક શૈલીમાં કહ્યું હતું કે જૈનો નમ્ર છે પણ નમાલા નથી. વિરતીથી જિન શાસનની સ્થાના થાય છે. હાલ સફેદી ખૂબ વધી છે પણ હવે કેસરિયા કરવાની જરૂર છે. જૈનોની નસોમાં હવે લોહી નહીં સાધુ સંતોની સુરક્ષાનો તેજાબ વહાવવાની જરૂર છે. પંન્યાસ શ્રી રાજધર્મ વિજયજી મહારાજ સાહેબ અને સફળ સંચાલન કરનાર શ્રી રાજસુંદર વિજયજી મહારાજ સાહેબે ઘટનાને પહલગામ હુમલા સાથે સરખાવીને અહીં જિન શાસનના નારા સાથે હવે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની આવશ્યકતા પર જોર આપ્યું હતું.

ટ્રકોના માલિકોની ધરપકડ કરવી જોઈએ : આચાર્ય ભગવંત શ્રી નયપદ્મસાગરજી મહારાજ સાહેબે પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું કે ટ્રકોના માલિકોની ધરપકડ કરીને, ટ્રકની જપ્તિ કરવી જોઈએ અને સરકારી વકીલોએ દિલથી આ કેસ લડીને દોષીઓને જામીન નહીં મળે તેવા પ્રયાસ કરવા જોઈએ.
સંત સુરક્ષામાં આગળ વધવા અપીલ : પૂ. શ્રી મોક્ષાંગરત્ન વિજયજીએ સંરક્ષણાત્મક અને સમર્પણની માર્મિક વાત કરીને લોકોને નાનકડું સટીક કાર્ય કરીને સંત સુરક્ષામાં આગળ વધવા અપીલ કરી હતી. પૂ. શ્રી વિનીતસાગરજી મહારાજ સાબે તેમ જ પૂ. આચાર્ય ભગવંત જયશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને વિનયચંદ્રસાગર સૂરિજીએ સભાને આશીર્વચન આપ્યા હતા. પૂ. શ્રી યુગંધર વિજયજીના શિષ્યરત્ન શ્રી ધનંજયવિજયીએ પોતાની લાક્ષણિક શૈલીમાં સભાને બહુશ્રુત દિવંગત આચાર્ય પુંડરીકરત્નસૂરિજીનો માર્મિક પરિચય આપ્યો હતો.
ગોડીજી જૈન મંદિરની બહાર ભીડ : પૂ. શ્રી વિનમ્રસાગરજી મહારાજ સાહેબે પોતાના જોશીલા વક્તવ્યમાં મંગલપ્રભાત લોઢીની ખૂબ અનુમોદના કરી હતી અને હવે શાંતિની નહીં પણ ક્રાંતિની જરૂરિયાત ઉપર ભાર આપ્યો હતો. સભામાં હકડેઠઠ મેદીની થઈ જતાં હજારો જૈનો ગોડીજી જૈન મંદિરની બહાર રસ્તા ઉપર એકઠા થઈને સંતોની રક્ષા અને શાસન સુરક્ષાના નારા બોલાવતા નજરે પડ્યા હતા. સભાની પૂર્ણાહુતિ બાદ ગોડીજી દેરાસરના ચોથા માળે પૂ. મહાત્માઓની નિશ્રામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. સાધુ સંતોની સુહક્ષા માટે સરકાર પગદંડી બનાવે, પોલીસ રક્ષણ આપે પણ હવે આ કથિત હત્યાઓ ચલાવી લેવામાં નહીં આવે તેવી ભાવના સાથે સભા સંપન્ન થઈ હતી, એમ આગેવાનો અતુલભાઈ વ્રજલાલ શાહ અને જયેશ લબ્ધિએ જણાવ્યું હતું.

