મુંબઈ શહેર તેમ જ ઉપનગરો સ્વચ્છ રાખવા સાથે જ મુંબઈના નાગરિકોનું આરોગ્ય અને જીવનશૈલી વધુ સરસ કરવા માટે મુંબઈ મહાપાલિકા પ્રશાસન તરફથી સતત પ્રયત્ન કરવામાં આવે છે. એ સાથે જ હવે મુંબઈની સ્વચ્છતા માટે મુંબઈ મહાપાલિકાની ગુલાબી સેના આગળ આવી છે. ઘનકચરા વ્યવસ્થાપન વિભાગની આ ગુલાબી સેનામાં લગભગ 9 હજાર 600થી વધારે મહિલા સ્વચ્છતા કર્મચારીઓ કાર્યરત છે. સેકન્ડ સ્વીપિંગ સેશન એટલે કે બીજી વખતની સ્વચ્છતા માટેના કામ અંતર્ગત મુંબઈમાં વિશેષ સ્વચ્છતા કરવામાં આવે છે. આ કામમાં 5 થી 28 મે 2025 સુધીના 23 દિવસમાં 150 ટન કાટમાળ, 180 ટન ફેંકવાની સામગ્રી અને 360 ટન કરતા વધારે કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગરમાં સ્વચ્છતા હંમેશા રહે એ ઉદ્દેશથી મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીના નિર્દેશ અનુસાર અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (શહેર) ડો. અશ્વિની જોશીના માર્ગદર્શન હેઠળ અને ઉપાયુક્ત (ઘનકચરા વ્યવસ્થાપન) કિરણ દિઘાવકરની દેખરેખ હેઠળ ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ તરફથી નોખો ઉપક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. એ જ પ્રમાણે રસ્તાઓ પર બીજી વખત સ્વચ્છતા કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એમાં મુંબઈ મહાનગર ક્ષેત્રના મુખ્ય રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને રેલવે સ્ટેશન, મુખ્ય રસ્તાઓ, ગિરદીવાળા ઠેકાણા, મોટા બાંધકામ પ્રકલ્પ અંતર્ગતના પરિસરમાં આ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી છે. એના માટે અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દરમિયાન મહાપાલિકાની ગુલાબી સેનામાં 70 ટકા કરતા વધારે એટલે કે કુલ 13 હજાર 500 કર્મચારીઓમાંથી 9 હજાર 600 મહિલા સ્વચ્છતા કર્મચારીઓ છે. આ ગુલાબી સેનામાં 5 થી 28 મે 2025ના સમયગાળામાં 150 ટન કાટમાળ, 180 ટન ફેંકવાની સામગ્રી અને 360 ટન કરતા વધારે કચરો ભેગો કરીને એનો યોગ્ય નાશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશના કારણે મુંબઈના રસ્તાઓ સ્વચ્છ થઈ રહ્યા છે. વાયુ પ્રદૂષણ ઓછું કરવામાં અને સાર્વજનિક આરોગ્ય સુધારવામાં મદદ થઈ રહી છે એવો દાવો મુંબઈ મહાપાલિકા પ્રશાસન તરફથી કરવામાં આવ્યો છે.
મુંબઈ શહેર અને ઉપનગરોમાં ઘનકચરા વ્યવસ્થાપન સેવા વધુ દરજ્જાવાળી કરવા માટે મુંબઈ મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગના કામનું ફેરનિયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ મહાનગરમાં દરરોજ લગભગ 7200 થી 7300 મેટ્રીક ટન કચરો નિર્માણ થાય છે. આ કચરો ભેગો કરીને આગળની પ્રક્રિયા માટે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે. એના માટે દરરોજ લગભગ 1 હજાર 334 વાહન વાપરવામાં આવે છે.

નવા રંગવાળા કચરા વાહનો : નવી પદ્ધતિમાં કચરો ભેગો કરવો અને લઈ જવા માટે એક જ યંત્રણા કાર્યાન્વિત કરવામાં આવી છે. કચરો ભેગો કરવા વિશેષ પ્રકારના, વધુ વહન ક્ષમતાવાળા અને વધુ દરજ્જાદાર તેમ જ આકર્ષક રંગવાળા વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. કુલ વાહનોમાંથી લગભગ 10 થી 15 ટકા વાહન વીજ પર ચાલતા હશે. તેમ જ કચરો ઉંચકવો, કચરાપેટીનું ધ્યાન, પરિવહન વગેરે કામ માટે એક જ યંત્રણા કાર્યરત રહેશે. ફરિયાદ નિવારણ માટે સ્વતંત્ર કોલ સેંટર શરૂ કરવામાં આવશે એમ ડો. જોશીએ સ્પષ્ટ કર્યું હતું.
23 દિવસમાં 150 ટન કાટમાળ, 360 ટનથી વધુ કચરાનો નિકાલ, આકર્ષક રંગવાળા વાહનોનો ઉપયોગ કરવામાં આવશે
