બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (બીએમસી)એ સુધારેલા મિલકત દરો જારી કર્યા છે અને તે મુજબ મિલકત વેરાનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે અને આ દરો સરેરાશ 15.89 ટકાના વધારા સાથે જારી કરવામાં આવ્યા છે. બીએમસીના પ્રોપર્ટી ટેક્સના માળખા અથવા દરમાં કોઈ સુધારો કે વધારો કરવામાં આવ્યો નથી. જોકે કાનૂની જોગવાઈ છે કે નાણાકીય વર્ષ 2025-26માં રેડી રેકનરમાં ફેરફારને કારણે ઉપરોક્ત દરો આપમેળે વધી જશે.
આ સુધારેલા દરો સાથેના પ્રોપર્ટી ટેક્સના બિલો મોકલતી વખતે કાનૂની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે, એવી સ્પષ્ટતા મુંબઈ મનપા દ્વારા કરવામાં આવી છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1888ની કલમ 154(1ઈ) મુજબ દર પાંચ વર્ષે પ્રોપર્ટીના મૂડી આધારિત મૂલ્યમાં સુધારો કરવાની કાનૂની જોગવાઈ છે. આ કાનૂની જોગવાઈ વર્ષ 2015માં લાગુ કરવામાં આવી હતી. જોકે વર્ષ 2020માં એટલે કે કોવિડ-19 વાયરસ ચેપના સમયગાળા દરમિયાન માનવતાના દૃષ્ટિકોણથી મિલકતના મૂડી આધારિત મૂલ્યમાં સુધારો કરવામાં આવ્યો ન હતો. તે માટે કાયદામાં અનુરૂપ સુધારા પણ કરવામાં આવ્યા હતા. એટલે કે પ્રોપર્ટી ટેક્સમાં 10 વર્ષ પછી સુધારો કરવામાં આવ્યો છે.

પ્રોપર્ટી ટેક્સના બિલ સાથે જારી કરાયેલી આ ખાસ નોટિસોમાં એક ખાસ સૂચના છે કે ‘મિલકતનું પ્રોપર્ટી વેલ્યુએશન અત્યારે સંરક્ષિત છે’. એટલે કે અંતિમ ચૂકવણી કોર્ટના નિર્ણયને આધીન નક્કી કરવામાં આવશે. અંતિમ બિલ જારી કર્યા પછી પ્રોપર્ટી ટેક્સની રકમ ઓછી/વધુ હોઈ શકે છે. જો વધુ રકમ વસૂલવામાં આવી હશે, તો તે રકમ આગામી ચુકવણીમાં ડાયવર્ટ કરી શકાય છે.
500 ચોરસ ફૂટથી નાના ફ્લેટ મિલકત કરમાંથી મુક્ત હોવાથી, તેમને સુધારેલા પ્રોપર્ટી ટેક્સના બિલમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. તેથી, તેમને કોઈ અસર થશે નહીં.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન તેમ જ નગર વિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદેના નિર્ણયને પગલે બીએમસી ઘન કચરા વ્યવસ્થાપન ફી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

