રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અને મુંબઈ ઉપનગરના પાલક મંત્રી એકનાથ શિંદે અને મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ચોમાસા પહેલાં શહેરના રસ્તાનાં તમામ કામો પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો તે પછી મહાપાલિકાના આર – ઉત્તર વિભાગના અધિકારીઓ આ નિર્દેશને ગંભીરતાથી ન લેતાં રસ્તાના જૂના – અધૂરાં કામોને અમુક જગ્યાએ સિનેન્ટ કોન્ક્રીટને બદલે ડામર ખડીથી પૂરા કર્યા છે.
મહાપાલિકાએ બે વર્ષ પહેલાં દહિસર પૂર્વમાં આવેલા સ્વામી વિવેકાનંદ માર્ગ પૂર્વથી પશ્ચિમમાં આવેલા દહિસર સબ-વે સુધીના છ.શિ.મ. માર્ગના મુખ્ય રસ્તાને સિમેન્ટ કોંક્રીટનો બનાવ્યો હતો, પરંતુ આ રોડ સાથે જોડાયેલા આનંદ નગર અને જરીમરી દેવી મંદિરના મુખ્ય જંકશન પાસેનો રસ્તો સિમેન્ટ કોંક્રીટનો નહીં બનાવતાં વચ્ચેનો અમુક ભાગ પેવર બ્લોક નાખી આંશિક રીતે છોડી દેવામાં આવ્યો હતો.

ભારે વાહનોની અવરજવરને કારણે આ જાહેર રોડના પેવર બ્લોક માટીમાં દબાઈને રસ્તાની સપાટી અસમતલ થઈ જતાં વાહન ચાલકો, શાળાના વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સામાજિક કાર્યકર રાજેશ પંડ્યાએ લોકોની સમસ્યા અધિકારીઓ પાસે રજૂ કરી હતી. મહાપાલિકાએ સરકારના આદેશ પ્રમાણે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ તૈયાર ન કરતાં ડામર ખડી- માસ્ટિક નાખી રોડનું લેવલિંગ કરી તૈયાર કર્યો પણ એને સિમેંટ કોંક્રીટથી કેમ નથી બનાવ્યો અથવા કયારે બનાવાશે? એ સવાલ ઊભો થયો છે.
ગયા ગણેશોત્સવ વખતે આ રસ્તાને સિમેંટ કોંક્રીટનો બનાવવાની વાત કબૂલ કરીને અધિકારીઓએ સરકારી આદેશનું પાલન કર્યું નથી. વરસાદમાં ડામર ખડીના રસ્તામાં લાંબા સમય માટે ટકાઉપણું જોવા મળતું નથી એ જાહેર વાત છે.

