ઉનાળામાં ઘણા લોકોને અવારનવાર ગેસ અને એસિટિડી થઈ જાય છે. વારંવાર આ સમસ્યા થાય તો દવા લેવાને બદલે આ દેશી નુસખો ટ્રાય કરો.
ગરમીના દિવસોમાં ભૂખ લાગવાની અને પાચનની પ્રક્રિયામાં ફેરફાર થાય. જેના કારણે ઘણા લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. ગરમીના દિવસોમાં એસિડિટીની તકલીફ સૌથી વધારે જોવા મળે છે. અનેક લોકો એવા હશે જેમને ઉનાળા દરમિયાન વારંવાર એસિડિટી પરેશાન કરતી હોય. આવું એટલા માટે થાય છે કે ગરમીમાં પાચન પ્રક્રિયા ધીમી થઈ જાય છે. જેના કારણે એસિડિટી, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર અને પેટમાં ગેસ બનવાની તકલીફ વધી જાય છે. ઉનાળામાં વારંવાર થતી એસિડિટી અને ગેસથી બચવાના ઘરેલુ ઉપાય આજે તમને જણાવીએ.
જો તમને ઉનાળામાં એસિડિટી કે ગેસ જેવું લાગે તો દવા લેવાને બદલે તમે આ ઘરેલું વસ્તુઓનું સેવન કરી શકો છો. આ વસ્તુઓને ખાસ રીતે ખાવાથી એસિડિટી દવા વિના મટી જાય છે. તો ચાલો તમને જણાવીએ તમે કઈ વસ્તુઓથી એસિડિટી અને ગેસને દવા વિના મટાડી શકો છો.

ઉનાળામાં શરીરને વધારે પાણીની જરૂર પડે છે. જો તમે ઉનાળામાં પાણી ઓછું પીશો તો પાચન બગડશે તે નક્કી છે. તેથી સૌથી પહેલા તો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું શરૂ કરો. ત્યારપછી પણ એસિડિટી થઈ જાય તો આ નુસખામાંથી કોઈ એક ટ્રાય કરો.
દવા વિના એસિડિટી મટાડવાના દેશી ઉપાયો
દૂધ અને બરફ
જો તમને વારંવાર એસિડિટી થતી હોય તો દવા લેવાને બદલે ઠંડુ દૂધ પીવાનું શરૂ કરો. તેના માટે એક કપ દૂધમાં બરફ અને થોડું ગુલાબજળ મિક્સ કરીને પી જવું. બરફવાળું દૂધ પીવાથી પેટ ને ઠંડક મળે છે અને પાચનતંત્ર બરાબર રીતે કામ કરવા લાગે છે અને એસિડિટી પણ શાંત થઈ જાય છે.
વરીયાળીનું પાણી
ઉનાળા માટે વરિયાળીનું પાણી અમૃત ગણાય છે. પાચનની સમસ્યા ઓછી કરવી હોય અને ખાસ તો એસિડિટીથી રાહત મેળવવી હોય તો વરિયાળીનું પાણી પીવું. જે લોકોને વારંવાર એસિડિટી થતી હોય તેમને રાત્રે 1 લીટર પાણીમાં બે ચમચી વરિયાળી પલાળી દેવી. બીજા દિવસે સવારથી સાંજ સુધીમાં આ પાણી થોડું થોડું કરીને પીવું.

લીંબુ પાણી
ઉનાળામાં ડિહાઇડ્રેશન ના કારણે પણ એસિડિટી અને અન્ય સમસ્યા થઈ જાય છે. તેનાથી બચવા માટે ઉનાળામાં લીંબુ પાણી પીવાનું રાખો. લીંબુ પાણી બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પહેલાના સમયમાં પીવું ફાયદાકારક રહે છે.
આ બાબતોને ધ્યાનમાં રાખવાની સાથે ડાયટ પર ખાસ ધ્યાન આપો. ઉનાળા દરમિયાન તળેલું કે મસાલેદાર ખાવાનું ટાળો. ગરમીના દિવસોમાં તાજા લીલા શાકભાજી અને સલાડ વધારે ખાવું. સાથે જ રસદાર ફળનું સેવન કરવું. દિવસ દરમિયાન નાળિયેર પાણી પણ પીવું જોઈએ. હેલ્ધી ભોજનની સાથે નિયમિત દસ મિનિટ વોક કરવાનું રાખો જેથી ખાધેલો ખોરાક સારી રીતે પચી જાય.

