રોકાણકારો, હાઉસિંગ સોસાયટીઓ, ટ્રસ્ટો, સંઘોની હાલત કફોડી કરી દેનારા ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કમાં આચરવામાં આવેલા રૂ. 122 કરોડના ગોટાળામાં નવા ફોજદારી કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) હેઠળ પાંચ આરોપીઓની રૂ. 167.85 કરોડની 21 મિલકતોને ટાંચ મારવા માટે સ્થાનિક કોર્ટે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)ને પરવાનગી આપી છે. નવો ફોજદારી કાયદો આવ્યા પછી કોઈ કેસમાં મિલકતોને ટાંચ મારવાનો આદેશ આપવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બુધવારે આર્થિક ગુના શાખાને આરોપીઓની મિલકતોને ટાંચ મારવા માટે મંજૂરી આપી છે, જેથી પોલીસે આ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
બિલ્ડરના ચારકોપના પ્રોજેક્ટને ટાંચ : આ મિલકતોમાં એક આરોપી બિલ્ડર ધર્મેશ પૌન દ્વારા વિકસિત ચારકોપ ખાતેની રૂ. 150 કરોડ મૂલ્યનો સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં બીએનએસએસની કલમ 107 હેઠળ આવાં પગલાં લેવાનો આ પ્રથમ કિસ્સો છે. આ કલમ હેઠળ પોલીસ ફોજદારી પ્રવૃત્તિ થકી પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે પ્રાપ્ત અથવા મેળવવામાં આવેલી કોઈ પણ મિલકતને ટાંચ મારી શકે છે.

સૂત્રધાર મહેતાના સાત ફ્લેટ, બંગલો, દુકાન : આર્થિક ગુના શાખાએ કોર્ટમાં અરજી કરી હતી, જેને લઈ બેન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને બે શાખાના અકાઉન્ટ વિભાગના હેડ હિતેશ મહેતાના સાત ફ્લેટ, એક દુકાન અને એક બંગલો પણ ટાંચ મારવામાં આવશે. અન્ય મિલકતોમાં ઉન્નાહાલાથન અરુણાચલમની દુકાન, કપિલ દેઢિયાનો ફ્લેટ, વેપારી જાવેદ આઝમની બિહારમાં મિલકત, મધુબનીમાં ફ્લેટ અને પટનામાં ફ્લેટનો સમાવેશ થાય છે. રૂ. 122 કરોડના આ બેન્ક ગોટાળામાં પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે.
આઝમે અરુણાચલમને છુપાવ્યો
કૌભાંડ બહાર આવ્યા પછી આઝમે અરુણાચલમને પોતાના મલાડના ઘરમાં છુપાવ્યો હતો. આ પછી ગુજરાત, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને બિહારમાં તે નાસતો ફરતો હતો. આખરે બે મહિના પછી તેણે શરણાગતી સ્વીકારી હતી. આ કેસમાં વોન્ટર બેન્કના ચેરમેન હિરેન ભાનુ અને તેની પત્ની ગૌરીની મિલકતો વિશે જાણકારી માટે પોલીસે પુણેમાં ડિપાર્ટમેન્ટ ઓફ રજિસ્ટ્રેશન એન્ડ સ્ટેમ્પ્સ પાસે અરજી કરી છે. હિરેન કૌભાંડથી વાકેફ હતો અને તેની પત્નીને રૂ. 28 કરોડની કટકી મળી હતી. દંપતી દેશની બહાર ફરાર થઈ ગયા હોવાનો અંદાજ છે. તેમની લોનાવાલામાં પાંચ એકરનો પ્લોટ, દક્ષિણ મુંબઈમાં ફ્લેટ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અન્ય મિલકતોને ટાંચ મારવા પોલીસ પ્રયાસ કરી રહી છે.

આ રીતે કૌભાંડ બહાર આવ્યું
12 ફેબ્રુઆરીના આરબીઆઈના ઓડિટમાં બેન્કની પ્રભાદેવી શાખાના કેશ વોલ્ટમાંથી રૂ. 122 કરોડની રોકડ ગાયબ હોવાનું જણાયું. મહામારી શરૂ થયા પછી પ્રભાદેવી અને ગોરેગાવ શાખામાંથી મહેતાએ તબક્કાવાર રૂ. 122 કરોડની ઉચાપત કરી હતી. ધર્મેશ પૌનને રૂ. 70 કરોડ, સિવિલ કોન્ટ્રાક્ટર કપિલ દેઢિયાને રૂ. 12 કરોડ, સોલારના વેપારી અરુણાચલમને રૂ. 40 કરોડ ભાજપના મહારાષ્ટ્રના પદાધિકારીના ભાઈ જાવેદ આઝમને અરુણાચલમ પાસેથી રૂ. 18 કરોડ અપાયા હતા. બેન્કના ભૂતપૂર્વ સીઈઓ અભિમન્યુ ભોઅને રૂ. 1-1 કરોડની કટકી લઈને કૌભાંડ ચાલવા દીધું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
