મુંબઈ મહાપાલિકાએ ઘનકચરા વ્યવસ્થાપન વપરાશકર્તા શુલ્ક પ્રસ્તાવિત કર્યા પછી એનો રાજકીય પક્ષો તરફથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે પ્રોપર્ટી ટેક્સમાં પણ વધારાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. 13 ટકા સુધીના વધારાનો આ પ્રસ્તાવ મુંબઈ મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ રજૂ કર્યો છે. 2014-15 પછી પ્રોપર્ટી ટેક્સમાં ન થયેલો વધારો, પાર પડેલી લોકસભા-વિધાનસભા ચૂંટણી, રેડીરેકનરના દરમાં થયેલો વધારો જોતા આ વખતે પ્રોપર્ટી ટેક્સમાં વધારો થશે એ સ્પષ્ટ છે. અર્થાત આ બધાના કારણે સામાન્ય મુંબઈગરાઓના માથે ભાર વધશે.
મુંબઈ મહાપાલિકા પાંચ વર્ષે એક વખત પ્રોપર્ટી ટેક્સ રેડીરેકનર દર અનુસાર વધારે છે. 2014-15માં વધારો કર્યા પછી 2020-21માં પ્રોપર્ટી ટેક્સમાં વધારો થવો અપેક્ષિત હતો. જો કે એ સમયે કોરોના સંકટ આવ્યું અને રાજ્ય સરકારે પ્રોપર્ટી ટેક્સ ન વધારવાનો નિર્ણય લીધો. 2022-23 અને 2023-24માં પણ વિવિધ કારણોસર વેરામાં વધારો ન થયો. 2024-25માં વેરો વધારવાનો નિર્ણય લીધો હતો પણ તમામ સ્તરે એનો વિરોધ કરવામાં આવ્યો. તેથી વધારો ન કરવા પર રાજ્ય સરકાર મક્કમ રહી.

મહાપાલિકાને રેડીરેકનર દર અનુસાર પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો અધિકાર છે. જો કે પ્રોપર્ટી ટેક્સમાં વધારો ન કરવો હોય તો મહાપાલિકાએ રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે. 2024-25માં પ્રોપર્ટી ટેક્સમાં વધારા બાબતે રાજ્ય સરકારના નગરવિકાસ વિભાગને પત્ર મોકલીને વેરામાં વધારો કરવો યોગ્ય નહીં ગણાય એમ ગયા વર્ષે જુલાઈમાં સ્પષ્ટ કર્યું હતું. ઉપરાંત આવતા વર્ષે ફરીથી વધારો કરવો પડશે એમ હોવાથી મુંબઈગરાઓના માથે બોજો પડશે એમ રાજ્ય સરકારને મોકલેલા પત્રમાં નોંધ્યું હતું.
આ વર્ષે મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં રેડીરેકનર દરમાં સરેરાશ 3.39 ટકા વધારો કરવામાં આવ્યો છે. બે વર્ષ આ વધારો કરવામાં આવ્યો નહોતો. રેડીરેકનરના દરમાં વધારો થશે એમ માનીને 2025-26માં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ મહાપાલિકાના કર નિર્ધારણ અને સંકલન વિભાગે તૈયાર કર્યો અને મુંબઈ મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને મોકલ્યો હતો.

વધારાનો વેરો જતો કરવો પડ્યો
મુંબઈ મહાપાલિકા દર પાંચ વર્ષે એક વખત પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરે છે. આ વધારો લગભગ 15 થી 20 ટકા પ્રસ્તાવિત હોય છે પણ હકીકતમાં 8 થી 9 ટકા જ થાય છે. છેલ્લા દસ વર્ષમાં વધારો ન થયો હોવાથી દર વર્ષના 675 કરોડ રૂપિયા પ્રમાણે વધારાનો પ્રોપર્ટી ટેક્સ મુંબઈ મહાપાલિકાને મળ્યો નથી. તેથી એ વેરો જતો કરવો પડ્યો. 2025-26થી પ્રોપર્ટી ટેક્સમાં ચોક્ક્સ વધારો થશે એ અપેક્ષિત હતું. એ અનુસાર મહાપાલિકાએ પ્રસ્તાવ મોકલ્યો છે. આ વધારો 9 ટકા સુધી થાય એવી શક્યતા છે. મુંબઈમાં જકાતનાકા બંધ થયા પછી મુંબઈ મહાપાલિકા પ્રોપર્ટી ટેક્સમાંથી વધુ વસૂલી પર ભાર આપે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
