મુંબઈમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોના વીજ બિલમાં અચાનક અને અણધાર્યો વધારો થયો હોવાની ફરિયાદો સતત ઉઠી રહી છે. કેટલાક કિસ્સાઓમાં જે માસિક બિલ ₹9,000 થી ₹10,000 આવતું હતું, તે વધીને ₹25,000 ની આસપાસ પહોંચી જતાં ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાના નિરાકરણ માટે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ઉપક્રમ દ્વારા 23 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન સમગ્ર મુંબઈમાં ‘BEST 2.0’ નામનું વિશેષ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમામ વોર્ડમાં યોજાશે ખાસ કસ્ટમર કેર કેમ્પ
આ અભિયાન હેઠળ BESTના તમામ કન્ઝ્યુમર વોર્ડને આવરી લેવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વીજ બિલમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવાનો, મીટર રીડિંગની ચોકસાઈ તપાસવાનો અને ગ્રાહકો સાથેનો સંવાદ વધુ બહેતર બનાવવાનો છે. નિર્ધારિત દિવસોમાં સવારે 10:00 થી સાંજે 4:00 વાગ્યા દરમિયાન BESTના વિવિધ વોર્ડમાં આ કસ્ટમર કેર કેમ્પ યોજાશે.

કેમ્પમાં ગ્રાહકોને કઈ-કઈ સુવિધાઓ મળશે? ગ્રાહકોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે દરેક કેમ્પમાં ખાસ ‘સ્માર્ટ મીટર એન્ડ બિલિંગ હેલ્પ ડેસ્ક’ ઊભા કરવામાં આવશે, જ્યાં નિષ્ણાત અધિકારીઓની નિમણૂક કરાઈ છે. આ કેમ્પમાં ગ્રાહકોને નીચે મુજબની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે:
- બિલિંગ રિવ્યુ: અચાનક વધી ગયેલા વીજ વપરાશ અને બિલની વિગતવાર તપાસ અને સ્પષ્ટતા.
- ઓન-સાઇટ મીટર ઇન્સ્પેક્શન: જરૂર જણાય તો સ્થળ પર જઈને મીટરની તકનીકી તપાસ.
- ચેક મીટરની સુવિધા: સ્માર્ટ મીટરનું રીડિંગ સાચું છે કે કેમ તે ચકાસવા માટે ‘ચેક મીટર’ લગાવવાની વ્યવસ્થા.
- સીધું માર્ગદર્શન: બિલ અને મીટરની કામગીરી સંબંધિત કોઈપણ મૂંઝવણના નિરાકરણ માટે અધિકારીઓ સાથે સીધી વાતચીત.
અધિકારીઓનું નિવેદન આ અંગે BESTના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રાહકો અને તંત્ર વચ્ચેનો સંવાદનો અભાવ દૂર કરવાનો તથા બિલિંગ અને મીટર રીડિંગને લગતી ચિંતાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો છે. આ માટે ખાસ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે, જેથી ગ્રાહકોને યોગ્ય ન્યાય અને સંતોષકારક જવાબ મળી શકે.”
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


