મુંબઈના ચુનાભટ્ટી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સેન્ટ્રલ મુંબઈની એક જાણીતી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ૩૬ વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ મામલે ચુનાભટ્ટી પોલીસે મૃતકના ડૉક્ટર પતિ, તેની કથિત ગર્લફ્રેન્ડ અને સાસુ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા (Abetment of Suicide) નો ગુનો નોંધ્યો છે.
આંતરજ્ઞાતિય લગ્ન અને સાસરિયાઓનો અસ્વીકાર
એફઆઈઆર (FIR) ની વિગતો મુજબ, મૃતક યુવતીના પિતા (જેઓ વર્ધા જિલ્લાના રહેવાસી છે) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની મોટી પુત્રી સેન્ટ્રલ મુંબઈની હોસ્પિટલમાં નર્સ હતી, જ્યાં તે એક ડૉક્ટરના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ વર્ષ ૨૦૧૭માં તેઓએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. જોકે, યુવતીના પરિવારે આ લગ્નમાં હાજરી આપી નહોતી અને ડૉક્ટરના પરિવારે પણ આ લગ્ન સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો તેમજ પુત્રવધૂ તરીકે સ્વીકાર ન કરી ભારે માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ છે.

પતિ અમદાવાદમાં પ્રેક્ટિસ કરતો હતો અને પરિવારથી દૂર રહેતો હતો
લગ્ન બાદ આ દંપતી ચુનાભટ્ટી ખાતે રહેવા લાગ્યું હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી ડૉક્ટર પતિ અમદાવાદ (ગુજરાત) ખાતે પોતાની મેડિકલ પ્રેક્ટિસ સંભાળતો હતો, જ્યારે તેની પત્ની મુંબઈની હોસ્પિટલમાં પોતાની નોકરી ચાલુ રાખીને અહીં જ રહેતી હતી. શરૂઆતમાં તેમની વચ્ચે સામાન્ય મતભેદો રહેતા, જે તેઓ આપસમાં વાતચીત કરીને ઉકેલી લેતા હતા.
માતૃગૃહમાં રોકાણ દરમિયાન તબિયતમાં ફેરફાર અને ડિપ્રેશન
મૃતક નર્સ આઠ દિવસની રજા લઈને પોતાના વતન વર્ધા ગઈ હતી. ત્યાં તેના માતા-પિતાએ નોંધ્યું કે તેમની પુત્રીના વર્તનમાં મોટો ફેરફાર આવ્યો છે અને તે ભારે તણાવમાં છે, છતાં ખુલીને કંઈ કહી રહી નહોતી. પિતાની વાતચીત પરથી એવું સ્પષ્ટ થયું કે તેનો પતિ તેની સાથે છૂટાછેડા લેવા માંગતો હતો. વતન રોકાણ દરમિયાન પતિના વિડિયો કૉલ આવ્યા બાદ તે વધુ ગૂંગળામણ અનુભવવા લાગી હતી અને ઊંડા ડિપ્રેશનમાં સરી પડી હતી. અને આ અંતિમ પગલું ભરીને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેના આધારે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ નોંધીને ડૉક્ટર પતિ, તેની મહિલા મિત્ર અને માતા સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



