સોશિયલ મીડિયા પર દેખાતી અજાણી લિંક્સ અને થર્ડ-પાર્ટી ઍપ્સ (APK ફાઈલ્સ) કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો વધુ એક કિસ્સો મુલુંડમાંથી સામે આવ્યો છે. મુલુંડ (વેસ્ટ)ના ડમ્પિંગ રોડ વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય નારાયણ ગાયકવાડ ઓનલાઈન મૂવી જોવાની લાલચમાં સાઇબર ઠગોની જાળમાં ફસાઈ ગયા હતા. અજાણી APK ફાઈલ ડાઉનલોડ કરતાની સાથે જ તેમના બૅન્ક ખાતામાંથી ₹૯૩,૦૦૦ ઉપડી ગયા હતા. આ અંગે તેમણે મુલુંડ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
ફેસબુક લિંકથી શરુ થઈ છેતરપિંડી
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ૨૭ સપ્ટેમ્બરે નારાયણજી ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક મુવી સંબંધિત વિડિયો જોયો હતો. તે મુવી પૂરેપૂરું જોવા માટે વિડિયો નીચે આપેલી એક લિંક પર તેમણે ક્લિક કર્યું હતું. લિંક પર ક્લિક કરતા જ મોબાઈલમાં એક ‘APK ફાઈલ’ ડાઉનલોડ થઈ ગઈ હતી.

જેવી તેમણે એ ફાઈલ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી, કે તરત જ તેમનો ફોન આપોઆપ અપડેટ થવા લાગ્યો હતો. વાસ્તવમાં, આ ફાઈલ દ્વારા સાઇબર અપરાધીઓએ તેમના મોબાઈલનો ‘રિમોટ એક્સેસ’ (કંટ્રોલ) મેળવી લીધો હતો.
ક્યુઆર કોડ સ્કેન કરતી વખતે ખાતું ખાલી હોવાની ખબર પડી
સાંજના સમયે જ્યારે નારાયણજી એક દુકાને ખરીદી કરવા ગયા અને પેમેન્ટ કરવા માટે QR કોડ સ્કેન કર્યો, ત્યારે તેમને જાણ થઈ કે તેમના બૅન્ક ખાતામાં એક રૂપિયો પણ બચ્યો નથી. તેમના ખાતામાંથી તબક્કાવાર કુલ ₹૯૩,૦૦૦ ડેબિટ થઈ ચૂક્યા હતા.
પોતે ડાઉનલોડ કરેલી APK ફાઈલના કારણે જ સાઇબર ફ્રૉડનો શિકાર બન્યા હોવાનું સમજાતાં, તેમણે તુરંત મુલુંડ પોલીસ સ્ટેશન પહોંચીને ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હાલ આ મામલે આગળની કાનૂની તપાસ કરી રહી છે.
સાઇબર સુવિધાઓથી બચવા ખાસ સાવચેતીઓ (સુરક્ષા ટિપ્સ)
- APK ફાઈલ્સથી બચો: Google Play Store કે Apple App Store સિવાય બહારની (અજાણી) વેબસાઇટ પરથી ક્યારેય કોઈ APK ફાઈલ ડાઉનલોડ ન કરો.
- સોશિયલ મીડિયા લિંક્સ: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ પર મળતી ‘ફ્રી મુવી’ કે ‘ઓફર’ની લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરવું.
- પરમિશન્સ તપાસો: કોઈ પણ નવી ઍપને મોબાઈલનો પૂરો કંટ્રોલ, મેસેજ વાંચવાની કે એક્સેસિબિલિટી પરમિશન ન આપો.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



