આજકાલ નોકરીની શોધમાં ભટકતા યુવાનોને નિશાન બનાવી છેતરપિંડી આચરતી ગેંગ અને ઠગો સક્રિય બન્યા છે. આવો જ એક કિસ્સો મુલુન્ડ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં સારા પગારની નોકરી અપાવવાની લાલચ આપીને કોલાબાના ૨૩ વર્ષીય યુવકને મુલુન્ડ બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો કિંમતી મોબાઈલ ફોન આંચકીને ઠગ ફરાર થઈ ગયો હતો. આ અંગે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
શું હતી સમગ્ર ઘટના?
દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં રહેતો ૨૩ વર્ષીય ધીરજકુમાર વાલ્મીકિ હાલ હાઉસકીપિંગની નોકરી માટે પ્રયાસો કરી રહ્યો હતો. આ દરમિયાન તેના જ વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ મેમણ નામના શખ્સે ધીરજકુમારનો સંપર્ક કર્યો હતો. ઈમ્તિયાઝે તેને મુલુન્ડ વિસ્તારમાં સારા પગારવાળી નોકરી અપાવવાની ખાતરી આપીને વિશ્વાસમાં લીધો હતો.

નોકરીના ઈન્ટરવ્યૂ અને આગળની પ્રક્રિયા માટે ઈમ્તિયાઝે ધીરજકુમારને મુલુન્ડ (વેસ્ટ) ખાતે આવેલા ‘આર મોલ’ પાસે મળવા માટે બોલાવ્યો હતો. જેથી ધીરજકુમાર તેના મિત્ર હર્ષ સાથે મુલુન્ડ પહોંચ્યો હતો.
ચાલાકી વાપરી ફોન તફડાવ્યો
મુલુન્ડ પહોંચ્યા બાદ ઈમ્તિયાઝે પોતાની મધુર વાતોમાં બંને યુવકોને ફસાવ્યા હતા. ત્યારબાદ તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હોવાનું નાટક કરી, ‘અર્જન્ટ કોલ કરવો છે’ તેમ કહીને બે મિનિટ માટે ધીરજકુમાર પાસે તેનો મોબાઈલ માગ્યો હતો.
ધીરજકુમારે વિશ્વાસ રાખીને પોતાનો ફોન ઈમ્તિયાઝને આપ્યો હતો. ફોન હાથમાં આવતા જ ઈમ્તિયાઝે ચતુરાઈ વાપરી ધીરજકુમાર અને હર્ષના હાથમાં એક થેલી પકડાવી દીધી હતી અને કહ્યું કે, “આગળ કંપનીનો માણસ ઉભો છે, તમે ત્યાં સુધી પહોંચો હું કોલ પૂરો કરીને આવું છું.”
શંકા જતાં પોલ ખૂલી: આરોપી મોબાઈલ સાથે ગાયબ
ઈમ્તિયાઝના કહ્યા મુજબ થોડે દૂર ગયા બાદ ધીરજકુમારને કંઈક અજુકતું લાગતાં શંકા ગઈ હતી. આથી તે તરત જ પાછળ ફરીને મૂળ જગ્યાએ આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઈમ્તિયાઝ મોબાઈલ લઈને છૂમંતર થઈ ચૂક્યો હતો. ધીરજકુમારે પોતાના નંબર પર તરત જ ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોબાઈલ સતત સ્વિચ ઓફ આવતો હતો.

પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં જ ધીરજકુમારે મુલુન્ડ પોલીસ સ્ટેશન પહોંચી ઈમ્તિયાઝ મેમણ વિરુદ્ધ છેતરપિંડીની લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને ફરાર ઈમ્તિયાઝની શોધખોળ શરૂ કરી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



