વાશીના મૂડીબજારમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ૭૦ વર્ષીય માધવજી ભાનુશાલી (મંગે) ને આ કળયુગમાં એક રિક્ષાવાળાની ઈમાનદારીનો મીઠો અનુભવ થયો છે. મોંઘવારીના આ વર્તમાન યુગમાં જ્યાં લોકો નાની-મોટી લાલચમાં આવી જતા હોય છે, ત્યાં નવી મુંબઈના વાશી વિસ્તારમાં ઈમાનદારી અને પ્રામાણિકતા ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે. વાશીમાં એક રિક્ષાચાલકે પોતાની રિક્ષામાં ભુલાઈ ગયેલી ₹૧.૬૮ લાખની રોકડ અને અત્યંત મહત્વના દસ્તાવેજો ભરેલી થેલી તેના મૂળ માલિક સીનિયર સિટીઝન સુધી સુરક્ષિત પહોંચાડીને ‘માનવતા અને ઈમાનદારી આજે પણ જીવંત છે’ એ સાબિત કરી બતાવ્યું છે.
ઉતાવળમાં રિક્ષામાં રહી ગઈ પૈસાની થેલી
નવી મુંબઈના મૂડીબજારમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ૭૦ વર્ષીય માધવજી ભાનુશાલી (મંગે) ગઈકાલે સવારે ૧૧:૧૫ વાગ્યાના સુમારે પોતાના કોપરખૈરણે સ્થિત ઘરેથી વાશીની APMC મસાલાબજાર જવા નીકળ્યા હતા. તેઓ રિક્ષા (નંબર MH-43-BF-5535)માં બેસીને માર્કેટ પહોંચ્યા હતા. જોકે, બજારમાં પહોંચ્યા બાદ ઉતાવળમાં તેમની રોકડ રકમ અને દસ્તાવેજો ભરેલી થેલી રિક્ષાની પાછલી સીટ પર જ ભુલાઈ ગઈ હતી.

પોતાની થેલી ગુમ થયાની જાણ થતાં જ માધવજીભાઈ ભારે ટેન્શનમાં આવી ગયા હતા અને હાંફળા-ફાંફળા થઈને તાત્કાલિક વાશી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
રિક્ષાચાલક અશોક સાવંતે દાખવી ઉત્કૃષ્ટ ઈમાનદારી
બીજી તરફ, ૩૮ વર્ષીય રિક્ષાચાલક અશોક સાવંત પેસેન્જરને માર્કેટમાં ઉતારીને વાશી બસ સ્ટોપ પહોંચ્યા હતા. ત્યાં તેમની નજર પાછળની સીટ પર પડેલી લાલ રંગની થેલી પર પડી હતી. તેમણે થેલી ખોલીને જોયું તો અંદર મોટી રકમની રોકડ અને મહત્વના કાગળો હતા. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર, અશોક સાવંતે પોતાના સહકારી શિવાજી જાધવનો સંપર્ક કર્યો અને થેલી સાથે સીધા વાશી પોલીસ સ્ટેશન પહોંચી ગયા.
માધવજી ભાનુશાલીએ જણાવ્યું હતું કે, “હું પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે જ મને ફોન આવ્યો કે એક રિક્ષાચાલક મારી થેલી જમા કરાવવા પહોંચ્યો છે. હું તરત જ મારા એક વેપારી મિત્ર લખુભાઈને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો. અશોક સાવંતની આ ઈમાનદારી જોઈને મને ખૂબ સાંત્વન મળ્યું.”

વાશી પોલીસે રિક્ષાચાલકની સરાહના કરી
વાશી પોલીસ સ્ટેશનના અધિકારીએ રિક્ષાચાલક અશોક સાવંતની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, અશોકે મોટી રકમ જોઈને પણ કોઈ લાલચ રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે અશોક સાવંતે આપેલી માહિતીના આધારે માધવજી ભાનુશાલીની ખાતરી કરીને ₹૧,૬૮,૦૦૦ની રોકડ અને દસ્તાવેજો ભરેલી થેલી તેમને સુરક્ષિત રીતે સોંપી દીધી હતી. રિક્ષાચાલક અશોક સાવંતના આ નીતિમત્તાપૂર્ણ કાર્યની સમગ્ર નવી મુંબઈમાં અને પોલીસ તંત્ર દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
https://chat.whatsapp.com/Cq6ttXxw5eLDuHJDiqQQXf
For more details… Contact 9322529232 / 9324483455

