દિશા સાલિયનના પિતા સતીશ સાલિયને શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરે દ્વારા 16 સપ્ટેમ્બરે સોશિયલ મિડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીઓના સંદર્ભમાં નવી માનહાનિની નોટિસ બજાવવાનો નિર્ણય લીધો છે. તાજેતરના અહેવાલો અનુસાર સતીશ સાલિયન અગાઉ પણ આદિત્ય ઠાકરે અને અનિલ દેશમુખને રૂ. 500 કરોડના માનહાનિ દાવા સાથે કાનૂની નોટિસ આપી ચૂક્યા છે.
સતીશ સાલિયન દ્વારા જારી કરાયેલી યાદી મુજબ તેઓ પોતાની કાનૂની ટીમ સાથે 19 સપ્ટેમ્બરના સાંજે 4 વાગ્યે આદિત્ય ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે નવી નોટિસ વ્યક્તિગત રીતે બજાવશે. આ નોટિસમાં 16 સપ્ટેમ્બરની સોશિયલ મિડિયા પોસ્ટમાં કરવામાં આવેલાં નિવેદનો અંગે જવાબ અને કાનૂની સ્પષ્ટતા માગવામાં આવશે.

આદિત્ય ઠાકરેએ 16 સપ્ટેમ્બરની પોસ્ટમાં દિશા સાલિયનને ક્યારેય મળ્યા કે ઓળખતા ન હોવાનો દાવો કર્યો હતો અને તેમના નામને આ કેસ સાથે જોડવાના પ્રયાસોને રાજકીય તથા વ્યક્તિગત હેતુસર કરવામાં આવતી ‘ચારિત્ર્યહનન’ની કાર્યવાહી ગણાવી હતી.
સતીશ સાલિયનનો કાનૂની પક્ષ એવો છે કે દિશાના મૃત્યુ અંગે ન્યાય મેળવવા માટે તેમણે બંધારણીય અને કાનૂની ઉપાયોનો આશરો લીધો છે. તેમના જણાવ્યા મુજબ તપાસ એજન્સીઓ અને અદાલતો સમક્ષ સંબંધિત દસ્તાવેજો, સામગ્રી અને પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. તેઓ પોતાની કાનૂની કાર્યવાહીનું રાજકીય હેતુ અથવા વ્યક્તિગત દુશ્મનાવટ તરીકે કરવામાં આવતું વર્ણન ફગાવે છે.
આદિત્યએ શું નિવેદન આપ્યું હતું: આદિત્ય ઠાકરેએ સોશિયલ મિડિયા પોસ્ટમાં દિશા સાલિયનને ક્યારેય મળ્યા કે ઓળખતા ન હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે રાજકીય હેતુ, વ્યક્તિગત દ્વેષ અને ચારિત્ર્યહનનના ઉદ્દેશથી છેલ્લાં છ વર્ષથી તેમનું નામ આ દુર્ઘટના સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઠાકરેએ ખોટી માહિતી અને સોશિયલ મિડિયા પરની ચર્ચાને વખોડી કાઢી અને અધિકૃત તપાસ એજન્સીઓ દ્વારા રાજકીય હસ્તક્ષેપ તથા પૂર્વગ્રહ વિના ફરી તપાસ કરવાની માગણી કરી. તેમણે સત્ય અને ન્યાય માટે લડત ચાલુ રાખવાની વાત કહી.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

