મુંબઈ પશ્ચિમ ઉપનગરમાં વર્સોવાથી મઢ દરમિયાન લગભગ 2 હજાર 395 કરોડ રૂપિયાના કેબલસ્ટેડ પુલના બાંધકામનો માર્ગ ખુલ્યો છે. પર્યાવરણ કાયદા પ્રમાણે વિવિધ પ્રાધિકરણે આપેલી મંજૂરીની શરતોનું પાલન કરીને આ પ્રકલ્પમાં અડચણ બનતા 1 હજાર 237 મેનગ્રોવ્ઝના ઝાડ તોડવા મુંબઈ હાઈ કોર્ટના મુખ્ય જજ મહેશ ત્રિપાઠી અને જજ અદ્વૈત સેઠનાની ખંડપીઠે મુંબઈ મહાપાલિકાને પરવાનગી આપી હતી.
અત્યારની પરિસ્થિતિમાં વર્સોવાથી મઢ રસ્તા દ્વારા પ્રવાસ કરવો હોય તો નાગરિકોએ અંધેરી, જોગેશ્વરી, રામ મંદિર, ઓશિવરા પછી મલાડ થઈને મઢ-માર્વે રસ્તે જવું પડે છે. મઢ-માર્વે રોડ કાંદિવલી લિન્ક રોડ કે મલાડ લિન્ક રોડથી 12 કિલોમીટર કરતા વધુ અંતરે છે. આ પ્રવાસ લાંબો હોવાથી આ રોડ પર મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થાય છે અને પ્રવાસ માટે ઘણો સમય લાગે છે.

વર્સોવા જેટ્ટીથી મઢ દરમિયાન એક કિનારાથી બીજા કિનારે જવા ફેરીબોટનો વિકલ્પ ઉપલબ્ધ છે. સવારના 5થી રાતના 1 વાગ્યા સુધી અહીં ત્રણ ફેરીબોટ કાર્યરત હોય છે. જો કે ઓટના સમયમાં ફેરીસેવા બંધ કરવી પડે છે. આ ફેરીસેવાની કેટલીક મર્યાદા પણ છે. આવી પરિસ્થિતિમાં આ પુલ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે એમ મહાપાલિકાએ એડવોકેટ જોએલ કાર્લોસ મારફત કરેલી રિટ અરજી દ્વારા કોર્ટના ધ્યાનમાં લાવ્યું હતું.
અત્યારનો પ્રકલ્પ મલાડ ખાડી પરથી મઢ આઈલેન્ડ અને વર્સોવાને જોડવા 2 હજાર 64 મીટર લાંબો ચાર લેનનો કેબલસ્ટેડ પુલ ઊભો કરવાનો છે. આ પુલ 27.45 મીટર પહોળા વિકાસ રૂપરેખાના રસ્તા સાથે અને કોસ્ટલ રોડ સાથે જોડવામાં આવશે. નવેસરથી વિકસિત કરવામાં આવતા ડીપી રસ્તા અને પ્રસ્તાવિત પુલના કારણે એસ.વી. રોડ અને લિન્ક રોડ પરનો વાહનવ્યવહાર મોટા પ્રમાણમાં વાળવામાં મદદ થશે એમ વરિષ્ઠ વકીલ એસ્પી ચિનોયે કોર્ટના ધ્યાનમાં લાવ્યું હતું.
મહાપાલિકાની ખાતરી : પ્રકલ્પને પર્યાવરણ બાબતની પ્રશાસનની જરૂરી મંજૂરી મળી છે. સીઆરઝેડ અધિસૂચના અનુસાર ઉત્તર કોકણ મેનગ્રોવ્ઝ વિભાગના વિભાગીય વન અધિકારીના અખત્યાર હેઠળની નવ હેકટર ખરાબ થયેલા મેનગ્રોવ્ઝ વનક્ષેત્રમાં 39 હજાર મેનગ્રોવ્ઝના ઝાડનું વાવેતર કરવામાં આવશે એવી ખાતરી મહાપાલિકા તરફથી આપવામાં આવી. તેમ જ આ ઝાડોની 10 વર્ષ દેખભાળ અને બીજા કામ માટે એક કરોડ 42 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા છે એમ પણ મહાપાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું.

દોઢ કલાકનો પ્રવાસ પાંચ મિનિટમાં : આ પ્રકલ્પ પૂરો થયા પછી પ્રવાસનું અંતર લગભગ 18 થી 20 કિલોમીટર ઓછું થશે. લગભગ દોઢ કલાકનો પ્રવાસ ફક્ત પાંચ મિનિટમાં પૂરો કરવો શક્ય થશે. તેથી પ્રવાસના સમયમાં લગભગ 70 થી 80 મિનિટની બચત થશે. આ પુલ તૈયાર થયા પછી ન્યૂ લિન્ક રોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એસ.વી. રોડ પર અકસ્માતનું પ્રમાણ ઓછું થવામાં પણ મદદ થશે એવો દાવો મહાપાલિકાએ કોર્ટમાં કર્યો હતો.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
