સરકારી નોકરી અને બિઝનેસના નામે ઠગાઈ:
મુલુન્ડ (પૂર્વ) વિસ્તારમાંથી એક સનસનાટીભર્યો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સરકારી વિભાગોમાં ગેરંટીડ નોકરી અપાવવાની લાલચ આપીને એક શાતિર ઠગે યુવક અને તેના મિત્રો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે પીડિત યુવકની ફરિયાદના આધારે નવઘર પોલીસ સ્ટેશને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પરીક્ષા વગર સરકારી નોકરીની ઝાકઝમાળ લાલચ
મુલુન્ડ (ઈસ્ટ)ના ગવનપાડા ખાતે આવેલા કેસરીનાથ વૈતી હાઉસમાં રહેતા કપિલેશ વૈતી અને તેના મિત્રો નોકરીની શોધમાં હતા. ઓક્ટોબર ૨૦૨૪માં સ્થાનિક સ્વામી સમર્થ ગાર્ડન ખાતે કપિલેશની મુલાકાત જય પવાર નામના શખ્સ સાથે થઈ હતી. કપિલેશ અને તેના મિત્રો બેરોજગાર હોવાની જાણ થતાં જ જય પવારે પોતાનું જાળ પાથર્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તે રેલવે, ઇન્કમ ટેક્સ (આવકવેરા) અથવા બાંધકામ વિભાગમાં કોઈપણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર સીધી નોકરી અપાવી શકે છે. આ માટે તેણે પ્રતિ ઉમેદવાર રૂ. ૨.૫૦ લાખની માંગણી કરી હતી.

વિશ્વાસ જીતવા રચેલું માસ્ટરપ્લાન: બોગસ આઈ-કાર્ડ અને ‘ફેક’ પગાર
સરકારી નોકરીની ઘેલછામાં કપિલેશ અને તેના ૧૦ મિત્રોએ જય પવાર પર ભરોસો મૂકીને રકમ ચૂકવી દીધી હતી. નાણાં મેળવ્યા બાદ ઠગ જયે તમામ ઉમેદવારોને સરકારી વિભાગના બનાવટી ઓળખપત્રો (ID Cards) અને નિમણૂંક પત્રો થમાવી દીધા હતા.
સામેવાળાને જરાય શંકા ન જાય તે માટે આરોપીએ એક અનોખી ચાલાકી અજમાવી હતી. તેણે કપિલેશના ખાતામાં રૂ. ૩૦,૦૦૦ “પગાર” તરીકે ટ્રાન્સફર કર્યા હતા, જેથી તેને લાગે કે નોકરી સાચી છે. જોકે, અન્ય મિત્રોને કોઈ પગાર ન મળતાં અને શંકા જતાં જ્યારે તેમણે વિભાગોમાં તપાસ કરી, ત્યારે આખું કૌભાંડ સામે આવ્યું હતું. તમામ આઈ-કાર્ડ અને નોકરીના પત્રો સંપૂર્ણપણે બોગસ સાબિત થયા હતા.
કૂતરા પાળવાના બિઝનેસના નામે વધુ એક ઠગાઈ
નોકરીના નામે છેતરપિંડી કર્યા બાદ પણ આરોપી જય પવાર અટક્યો નહોતો. તેણે કપિલેશના ઘરના ટેરેસ પર કૂતરા પાળવાનો (ડિઝાઇનર ડોગ બ્રીડિંગ) વ્યવસાય શરૂ કરવાની યોજના બતાવી હતી. આ બિઝનેસ પાર્ટનરશિપના નામે તેણે કપિલેશ પાસેથી વધુ રૂ. ૧.૧૫ લાખ પડાવી લીધા હતા.
પોલીસ ફરિયાદ અને કાર્યવાહી
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ કપિલેશે જય અને તેની પત્ની પાસે પોતાના નાણાં પરત માંગવાનું શરૂ કર્યું હતું. સતત ઉઘરાણી બાદ આરોપીએ માત્ર રૂ. ૮૨,૦૦૦ પરત કર્યા હતા, જ્યારે બાકીના રૂ. ૨.૮૩ લાખ આપવાનો ઇનકાર કરી દીધો હતો. આખરે ભોગ બનનાર કપિલેશ વૈતીએ નવઘર પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ગુહાર્ લગાવી હતી. પોલીસે આરોપી જય પવાર વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.


Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
