શાસ્ત્રોક્ત વિધિથી પરિવારના વડીલો દ્વારા કરાયું પૂજન
પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાના પ્રતીક એવા સોમનાથ મહાદેવના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિની સરવાણી વહી રહી છે. તેવામાં જામનગરના પ્રખ્યાત પુંજાણી પરિવાર દ્વારા સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર ભક્તિસભર વાતાવરણમાં ધ્વજારોહણ કરવાનો પવિત્ર અવસર યોજાયો હતો. શ્રી રાજ્ય પુરોહિત જ્ઞાતિના ગં.સ્વ. નિર્મળાબેન અનંતરાય પૂંજાણી પરિવાર દ્વારા શ્રદ્ધા અને ભાવપૂર્વક આ ધાર્મિક કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત આ મંગળ પ્રસંગે પુંજાણી પરિવારના મોભી વડીલ દ્વારા મંદિરના ભૂદેવોના મુખારવિંદથી શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

વૈદિક મંત્રોચ્ચાર અને મહાદેવના નાદ સાથે પરિવારના મોભી દ્વારા પ્રભુ સોમનાથના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ” અને ’જય સોમનાથ”ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે ગં. સ્વ. નિર્મળાબેન પૂંજાણીના પુત્રો ગીરીશભાઈ, દીપકભાઈ અને રાજુભાઈ સહિત સમગ્ર પુંજાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ ઉપરાંત, પરિવારના મિત્ર વર્તુળ, સ્નેહીજનો અને સગા-સંબંધીઓએ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન અને ધ્વજારોહણની આ અલૌકિક ક્ષણોનો લાભ લઈ ધન્યતા અને આત્મસંતોષની અનુભૂતિ કરી હતી. ધ્વજારોહણ બાદ પરિવારે મહાદેવના આશીર્વાદ મેળવી સર્વના કલ્યાણ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
