રાજ્યમાં ખાદ્ય ભેળસેળ સામે કડક કાર્યવાહીથી ચર્ચામાં રહેલા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) કમિશનર તુકારામ મુંઢે હવે વિભાગના આંતરિક વિવાદને કારણે ફરી સમાચારમાં આવ્યા છે. છત્રપતિ સંભાજીનગર સ્થિત રાજ્ય ખાદ્ય અને દવા વહીવટ પ્રયોગશાળાના 29 અધિકારીઓ અને કર્મચારીઓએ ખાદ્ય અને ઔષધ વહીવટ મંત્રી નરહરિ જીરવાલને લેખિત રજૂઆત કરી તેમની કાર્યપદ્ધતિ અંગે ગંભીર વાંધા નોંધાવ્યા છે.
15 જુલાઈએ કરાયેલી રજૂઆતમાં કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે પ્રયોગશાળામાં પૂરતી માનવશક્તિ અને તકનિકી સુવિધાઓ વિના અચાનક બે- શિફ્ટની પદ્ધતિ અમલમાં મુકાતાં કામનું ભારણ અસહ્ય બન્યું છે. તેમના જણાવ્યા મુજબ કર્મચારીઓને સવારે 9 વાગ્યાથી મધરાત સુધી કામ કરવું પડે છે, જ્યારે શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ ફરજ બજાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ખોરાક, દવાઓ અને કોસ્મેટિક્સના નમૂનાઓનું ઝડપી પરીક્ષણ કરવા દબાણ લાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ઇન્ડિયન ફાર્માકોપિયા, બ્રિટિશ ફાર્માકોપિયા અને યુએસપી જેવાં ધોરણો મુજબની પરીક્ષણ પ્રક્રિયાની ગુણવત્તા પર અસર થવાની ભીતિ છે.
29 કર્મચારીઓએ સરકાર સમક્ષ બે-શિફ્ટ વ્યવસ્થા રદ કરવા, ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા, જરૂરી સાધનો અને તકનીકી સહાય ઉપલબ્ધ કરાવવા, વધારાના કામ માટે યોગ્ય ભથ્થાં આપવા તેમજ નિયમિત કાર્યાલય સમય અને રજાઓ પુનઃસ્થાપિત કરવાની માગણી કરી છે. આ મામલે અત્યાર સુધી મંત્રી નરહરિ જીરવાલ અથવા એફડીએ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે સરકાર કર્મચારીઓની રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
For more details… Contact 9322529232 / 9324483455
