મુંબઈ સહિત સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં મંગળવાર રાતથી શરૂ થયેલો મેઘરાજાનો તાંડવ બુધવારે પણ યથાવત રહ્યો હતો. ઓરેન્જ એલર્ટ વચ્ચે કલાકના ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદી ઝાપટાંને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. દક્ષિણ મુંબઈની સરખામણીએ ઉપનગરોમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું હતું.
સર્વત્ર મેઘમહેર: ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
બુધવારે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન પશ્ચિમ ઉપનગરમાં સૌથી વધુ ૬૪.૯૧ મિ.મી. વરસાદ ખાબક્યો હતો, જ્યારે પૂર્વ ઉપનગરમાં ૪૮.૭૦ મિ.મી. અને શહેર વિસ્તારમાં ૩૬.૬૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ સિવાય આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો:

- થાણે: ૮૮.૬૩ મિ.મી.
- નવી મુંબઈ: ૬૧.૧૭ મિ.મી.
- પાલઘર: કેટલાક વિસ્તારોમાં ૧૦૦ મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો.
પવનના લીધે ૫૦થી વધુ ઝાડ ધરાશાયી, મિલન સબવે પાસે અકસ્માત
ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે શહેરમાં ૫૦થી વધુ સ્થળોએ ઝાડ અને મોટો ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. બુધવારે બપોરે અઢી વાગ્યાના સુમારે મિલન સબવે નજીક રૅપિડો બાઈક પર ઝાડની ડાળી પડતાં ૩૬ વર્ષીય નીલમ ગુપ્તા નામની મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. તેમને તાત્કાલિક બાન્દ્રાની ભાભા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.
વરસાદનું કારણ અને આગામી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સર્જાયેલા ચક્રવાતને કારણે બંગાળની ખાડીથી દક્ષિણ ગુજરાત સુધી એક મજબૂત ‘લો પ્રેશર ટ્રફ’ સક્રિય થયો છે. આ સિસ્ટમ સક્રિય હોવાથી કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

- આજની સ્થિતિ (ગુરુવાર): મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ હટાવીને ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.
- શુક્રવારથી રાહતની શક્યતા: શુક્રવારથી વરસાદની તીવ્રતા ઘટીને હળવાથી મધ્યમ સ્તરની થવાની હવામાન ખાતાએ શક્યતા દર્શાવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
