ઘાટકોપર-ઈસ્ટમાં હાઇવે પર રવિવારે વહેલી સવારે એક દર્દનાક રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં ચિંચબંદર વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષના દિનેશ અંજારાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત માત્ર એક માર્ગ દુર્ઘટના નથી, પરંતુ મિત્રતાના નામે કલંક સમાન કિસ્સો છે. અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા દિનેશને હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ બચાવવાને બદલે, તેનો જ મિત્ર વિવેક જાધવ તેને રસ્તા પર જ તડપતો છોડીને સ્કૂટર લઈને ઘટનાસ્થળેથી રફુચક્કર થઈ ગયો હતો. પંતનગર પોલીસે આ મામલે કન્ટેનર ચાલક અને દિનેશના મિત્ર વિવેક વિરુદ્ધ ગુનો નોંધી વિવેકની ધરપકડ કરી લીધી છે.
રત્નાગિરિ જવાનો પ્લાન અધૂરો રહ્યો અને કાળ ભેટી ગયો
પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, મૃતક દિનેશ અંજારા સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં વોર્ડબૉય તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે વહેલી સવારે દિનેશ અને તેમનો મિત્ર વિવેક જાધવ બંને સ્કૂટર પર સવાર થઈને રત્નાગિરિ જવા માટે નીકળ્યા હતા. જોકે, વિક્રોલી નજીક પહોંચતા જ કોઈ કારણસર તેમનો પ્લાન કેન્સલ થયો હતો અને તેઓ મુંબઈ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઘાટકોપર-ઈસ્ટ હાઇવે પર કન્ટેનર સાથે તેમની બાઇકનો અકસ્માત થયો હતો.

માનવતા મરી પરવારી: મદદ કરવાને બદલે મિત્ર ભાગી છૂટ્યો
અકસ્માત એટલો ભયાનક હતો કે દિનેશ રસ્તા પર જ લોહીલુહાણ હાલતમાં પટકાયા હતા. સામાન્ય રીતે આવી સ્થિતિમાં મિત્ર વહારે આવતો હોય છે, પરંતુ વિવેકે માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. તે પોલીસ કે હોસ્પિટલના લફરામાં પડવા ન માગતો હોય તેમ, દિનેશને તડપતી હાલતમાં મૂકીને પોતાનું સ્કૂટર લઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
પોલીસે બંને ગુનેગારો સામે ગાળિયો કસ્યો
સમગ્ર ઘટનાની જાણ થતાં જ પંતનગર પોલીસ સ્ટેશનની ટીમ એક્શનમાં આવી હતી. પોલીસે કન્ટેનરના અજાણ્યા ડ્રાઇવર સામે બેદરકારીથી વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે, સાથે જ ઘાયલ મિત્રને રસ્તા પર મરવા માટે છોડી દેવા બદલ વિવેક જાધવ વિરુદ્ધ પણ કડક કલમો હેઠળ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે. વિવેકની આ કરતૂતે સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જગાવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
