તીવ્ર તડકો, ગરમ હવા આંખને તુરંત અસર કરે છે. દર વર્ષે ઉનાળામાં આંખ સંબંધિત સમસ્યાના કેસ વધી જતા હોય છે. જો કે થોડી તકેદારી રાખી લેવાથી લાલ આંખ, આંખમાં બળતરા, આંખમાં ખંજવાળ જેવી સમસ્યાથી બચી શકાય છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં આંખનું ધ્યાન કેવી રીતે રાખવું ?
ઉનાળો શરૂ થતા જ હીટ વેવનું રિસ્ક પણ વધી જાય છે. તડકો, ગરમ હવા અને વધતું તાપમાન શરીરને જ નહીં પરંતુ આપણી આંખોને પણ નુકસાન કરી શકે છે. ગરમીના કારણે શરીરના સૌથી નાજુક અંગ આંખને પણ અસર થાય છે. એટલા માટે જ ઉનાળામાં આંખ સંબંધિત સમસ્યાઓ પણ વધી જતી હોય છે. ગરમીના દિવસોમાં આંખમાં બળતરા થવી, આંખ ડ્રાય થઈ જવી, આંખમાં ખંજવાળ આવવી, આંખ લાલ થઈ જવી જેવી સમસ્યાઓ વધી જતી હોય છે. આવી સમસ્યામાં જો બેદરકારી રાખવામાં આવે તો આંખ પર ગંભીર અસર પણ થઈ શકે છે. એટલા માટે એ જાણવું જરૂરી છે કે હીટ વેવમાં આંખ ડેમેજ ન થાય તે માટે શું કરવું? આજે તમને 5 સરળ ઘરેલુ ઉપાય વિશે જણાવીએ જે ઉનાળામાં તમારી આંખનું રક્ષણ કરશે.
સન ગ્લાસીસ પહેરવા
ઉનાળામાં ઘરથી બહાર પગ મુકો એટલે સન ગ્લાસીસ પહેરી લેવા જોઈએ. સૂર્યના યુવી કિરણો ત્વચાની સાથે આંખને પણ નુકસાન કરી શકે છે. એટલા માટે જ ઉનાળામાં ઘરથી બહાર નીકળતા પહેલા યુવી પ્રોટેક્શન વાળા સનગ્લાસીસ પહેરવા, જેથી તડકાથી અને ગરમ હવાથી આંખનું રક્ષણ થાય.

આંખમાં ઠંડુ પાણી છાંટો
જે લોકોનો સ્ક્રીન ટાઈમ વધારે હોય તેમણે ઉનાળા દરમિયાન આંખને દિવસમાં ત્રણથી ચાર વખત ઠંડા પાણીથી ધોવી જોઈએ. એટલે કે આંખમાં ઠંડુ પાણી છાંટવું જોઈએ. આમ કરવાથી આંખની બળતરા ઓછી થાય છે અને આંખને આરામ મળે છે.
હાઇડ્રેટ રહેવું
શરીરના સ્વાસ્થ્યની વાત હોય કે આંખને સારી રાખવાની વાત હોય હાઇડ્રેટ રહેવું જરૂરી છે. ઉનાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું આંખ માટે પણ આવશ્યક છે. જો શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો તેના કારણે આંખ પણ ડ્રાય થવા લાગે છે તેથી દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જેથી આંખ પણ હાઇડ્રેટ રહે.
આંખને ઠંડક કરો
આખા દિવસના કામ અને સ્ક્રીન ટાઈમ પછી આંખને ઠંડક મળે તે માટે ફ્રિજમાં રાખેલી કાકડીમાંથી બે સ્લાઈસ કાપી આંખ પર 10 મિનિટ માટે રાખો. આંખ પર ઠંડી કાકડી રાખવાથી આંખના સોજા, થાક અને બળતરા ઓછી થઈ જાય છે. જે લોકોનો સ્ક્રીન ટાઈમ વધારે હોય તેમના માટે આ ઉપાય ફાયદાકારક છે.

ગુલાબ જળનો ઉપયોગ કરો
આંખને ઠંડક કરવા માટે ગુલાબજળ વર્ષો જૂનો ઘરગથ્થુ ઉપાય છે. આંખ ઢંકાઈ જાય એટલું રૂ લેવું અને તેને ગુલાબજળથી પલાળી લેવું. આ રુને આંખની ઉપર રાખો. ગુલાબજળથી પણ આંખની ગરમી ઓછી થાય છે અને થાક ઉતરે છે. જોકે આંખ માટે હંમેશા સારી ગુણવત્તાના ગુલાબજળનો ઉપયોગ કરવો.
ઉનાળા દરમિયાન આ 5 વાતોનું ધ્યાન રાખી લેશો તો આંખ સંબંધિત સમસ્યાથી બચી જશો. આ સિવાય આંખ સંબંધિત સમસ્યા ન થાય તે માટે અન્ય કેટલીક વાતોનું પણ ધ્યાન રાખવું. જેમકે વારંવાર આંખ ખંજવાળવી નહીં, મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કલાકો સુધી કરવો નહીં. દર 20 મિનિટે 20 સેકન્ડ માટે સ્ક્રીન પરથી નજર હટાવી લેવી. આ વાતોનું ધ્યાન રાખ્યા પછી પણ આંખમાં દુખાવો થાય, ધૂંધળું દેખાય કે આંખ લાલ થઈ જાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
