પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં વીઆઈપી સુવિધા થકી ભગવાનનાં ઝડપથી દર્શન કરાવવાને નામે ભક્તો પાસેથી ત્રણ- ત્રણ હજાર રૂપિયા લેવા સંબંધે અજ્ઞાત એજન્ટોની ધરપકડ બાદ હવે આ પ્રકરણમાં ત્ર્યંબકેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીની ધરપકડ કરવામા આવી છે.
ત્ર્યંબકેશ્વર દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટી પુરુષોત્તમ કડલગની સોમવારે મધરાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ પુરાવા આધારિત પગલું છે. અમે અગાઉ આ કેસમાં બે જણની ધરપકડ કરી હતી. અમુક વધુ નામો સામે આવ્યાં છે અને વિશ્વસનીયતાની તપાસ પછી તેમની પણ ધરપકડ કરવામાં આવશે, એમ નાશિક ગ્રામીણના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું.

આરોપીને સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં 20મી એપ્રિલ સુધી પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે. નાશિકના બે ભક્તો સાથે 11 એપ્રિલના રોજ ત્ર્યંબકેશ્વર મંદિરમાં વીઆઈપી દર્શનને નામે છેતરપિંડી કરવામાં આવી હતી. તેમને પાસે રૂ. 200ના દર્શનના પાસ હોવા છતાં તેમને 10 મિનિટમાં વીઆઈપી દર્શન કરાવીશું એમ કહીને રૂ. 3000 લીધા હતા.
આરોપી અને તેના સાગરીતે એન્ટ્રી તો અપાવી, પરંતુ પૈસા ચૂકવ્યા તેની સામે કોઈ રસીદ આપી નહોતી. પોલીસે ગોટીરામ મનાજી પેહર (41) અને ટ્રસ્ટીના ભાણેજ અભિષેક કડલગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પેહરની ધરપકડ કરાઈ છે, જ્યારે અભિષેક ફરાર છે. અભિષેકની પૂછપરછમાં તેણે પુરુષોત્તમનું નામ લીધું હતું. અમુક વધુ એજન્ટો મંદિર આસપાસ ફરી રહ્યા છે અને ઝડપથી દર્શનને નામે પૈસા પડાવી રહ્યા છે, એમ તેણે પૂછપરછમાં જણાવ્યું છે.
આરોપીઓ વીઆઈપી દર્શનને નામે ઉતાવળિયા ભક્તો પાસેથી પૈસા પડાવતા હતા. આ રીતે રોજ મોટે પાયે નાણાં કમાણી કરતા હતા. નોંધનીય છે કે નાશિક શહેર નજીક સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગમાંથી એક માનવામાં આવે છે, જેથી દુનિયાભરના ભક્તો અહીં દર્શને આવે છે. અહીં રૂ. 200ના દર્શન પાસ અધિકૃત રીતે મળે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
