ભાંડુપ સ્થિત સમુદાયના રજિસ્ટર્ડ કાર્યાલયમાં બે બેઠકો યોજાઈ હતીa
થાણે જિલ્લામાં એક જૈન પરિવાર સાથે સંકળાયેલા સામાજિક બહિષ્કારના આક્ષેપોને કારણે વિવાદ ઊભો થયો છે. દિગંબર સંપ્રદાયના દિવેશ જૈન અને શ્વેતાંબર સંપ્રદાયની સલોનીએ નવેમ્બર 2025માં આંતરસંપ્રદાય લગ્ન કર્યા બાદ પરિવારને સમાજમાંથી દૂર કરવામાં આવ્યો હોવાનો આરોપ તેમના પિતા સોહનલાલ જૈને લગાવ્યો છે.
આ મામલે તેમણે સમાજના નેતાઓ અને ટ્રસ્ટના પદાધિકારીઓ સામે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી સોહનલાલ જૈનના જણાવ્યા મુજબ, તેમના પુત્રનાં લગ્ન પહેલાં જ સમુદાયના આગેવાનો દ્વારા આ સંબંધ રદ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે લગ્ન પછી પણ સમાજના અધ્યક્ષ મહાવીર તાયા અને અન્ય પદાધિકારીઓએ આ લગ્નને સ્વીકારવા માટે ઈનકાર કર્યો અને સંબંધ તોડી નાખવા દબાણ કર્યું. છતાં પરિવાર પોતાના નિર્ણય પર અડગ રહ્યો અને લગ્ન કર્યાં.

સોહનલાલના દાવા અનુસાર, ત્યાર બાદ તેમના પરિવારને સામાજિક કાર્યક્રમો, ધાર્મિક પ્રસંગો અને સમુદાયના મેળાવડામાંથી બહાર રાખવામાં આવ્યા. ભાંડુપ સ્થિત સમુદાયના રજિસ્ટર્ડ કાર્યાલયમાં બે બેઠકો યોજાઈ હતી, જેમાં સભ્યોને પરિવારને કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, જે લોકો આ નિર્દેશનું પાલન નહીં કરે તેઓને પણ સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડશે તેવી ચેતવણી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
મારો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો, એમ સોહનલાલ જૈને કહ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે આ પરિસ્થિતિને કારણે તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને મહાવીર તાયા સહિત ટ્રસ્ટના અન્ય સાત સભ્યો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમણે મહારાષ્ટ્રના સામાજિક બહિષ્કાર વિરોધી કાયદા હેઠળ કલમ 5 અને 7 તેમ જ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવાની માગણી કરી છે.
બીજી તરફ, રાજસ્થાન બિસા નરસિંહપુરા દિગંબર જૈન સમાજના અધ્યક્ષ મહાવીર તાયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, અમારા દ્વારા કોઈ પણ પ્રકારનો સામાજિક બહિષ્કાર લાગુ કરવામાં આવ્યો નથી. આ તમામ આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે. આ ઘટનાએ આંતરસંપ્રદાય લગ્ન અને સમાજમાં સ્વીકાર્યતા અંગે ફરી ચર્ચા જગાવી છે.

ફરિયાદીની એફઆઈઆર લેવાશે? થાણેની નામદેવ વાડી,પાંચપખાડી વિસ્તારમાં રહેતા સોહનલાલ જૈને જણાવ્યું કે, નૌપાડા પોલીસ સ્ટેશનને લેખિત ફરિયાદ અમારા વકીલ સાગર કદમ દ્વારા આપવામાં આવી છે, પરંતુ ઘટના ભાંડુપમાં બની છે તેમ જણાવી ફરિયાદ ઝીરો નંબરથી લેવાનું કહે છે. અમે તો થાણેમાં જ રહીએ છીએ. મારા દીકરાએ જેની સાથે મેરેજ ર્ક્યાં એ સલોની રાજેશ શાહ મૂળ કચ્છના વડાલાના છે અને તેઓ પણ થાણેમાં જ રહે છે. અમારી ફરિયાદ નહીં લેવામાં આવે તો અમે કોર્ટમાં જઈ કાનૂની રાહે પગલાં લઈશું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
