ઓવરટેક કરવા બાબતે થયેલા વિવાદમાં ટેક્સી ચાલકે તીક્ષ્ણ હથિયારથી યુવક પર કર્યો હુમલો, બાંગુર નગર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા.
મુંબઈના મલાડ (પશ્ચિમ) વિસ્તારમાં લિક રોડ પર એક ચોકાવનારી ઘટના બની છે. વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક ૨૫ વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક મલાડની એક ડિજિટલ માર્કેટિંગ ફર્મમાં કામ કરતો હતો. બાંગુર નગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ૨૮ વર્ષીય ટેક્સી ડ્રાઈવર અને તેના સાથીદારની ધરપકડ કરી છે.આ ઘટના મલાડના લિક રોડ પર મિઠ ચોકી જંક્શન પાસે શરૂ થઈ હતી અને ઇનઓર્બિટ મોલ નજીક લોહિયાળ અંજામ સુધી પહોંચી હતી.
મિઠ ચોકી જંક્શનથી શરૂ થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો ઘટનાની વિગત મુજબ, મૃતક યુવક પોતાની બાઇક પર લિક રોડ પરથી જઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળ આવી રહેલી એક ટેક્સી સાથે વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. ઓશિવરા મેટ્રો સ્ટેશન નીચે, ઇનઓર્બિટ મોલ પાસે બંનેએ પોતાના વાહન રોક્યા હતા. તેમની વચ્ચે શરૂ થયેલી સામાન્ય બોલાચાલીએ થોડી જ વારમાં ઉગ્ર લડાઈનું સ્વરૂપ લઈ લીધું હતું

વિવાદ વધતા ટેક્સી ડ્રાઇવરે ગુસ્સામાં આવીને પોતાના વાહનમાંથી એક તીક્ષ્ણ વસ્તુ કાઢી યુવક પર હુમલો કરી દીધો હતો. આ હુમલો યુવકની છાતી અને ગળાના પાછળના ભાગે લાગ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલો યુવક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. આસપાસના લોકોએ માનવતા દાખવી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ બાંગુર નગર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની મદદથી ૨૮ વર્ષીય ટેક્સી ડ્રાઈવર અને તેના સાથીદારની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી છે. પોલીસે બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ મુંબઈના ટ્રાફિકમાં વધતા જતા રોડ રેજ અને અસહિષ્ણુતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
