મુલુંડ વેસ્ટના સરોજિની નાયડુ રોડ પર આવેલી તહસીલદારની ઑફિસની ઈમારત જર્જરિત હાલતમાં હોવાથી અહીં કામકાજ માટે આવતા નાગરિકો તથા સ્ટાફને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુલુંડથી લઈને કુર્લા સુધીના નાગરિકો વિવિધ શાસકીય કામો માટે રોજબરોજ અહીં આવતા હોય છે, પરંતુ ઈમારતની ખરાબ સ્થિતિને કારણે અહીં સલામતી અંગે ચિંતા ઊભી થઈ છે. થોડા સમયમાં આવનારી વરસાદની મોસમ દરમ્યાન છતમાંથી પાણી ટપકવાની અને દીવાલોમાં ભંગાણ દેખાવાની સમસ્યાઓ વધુ ગંભીર બની જાય છે. આ મામલે અહીંના સ્ટાફ તેમ જ મુલુંડના કેટલાક સામાજિક નાગરિકોએ લેખિત ફરિયાદો કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

તહસીલદારની ઑફિસમાં તપત્ર, પ્રમાણપત્ર સહિતના અગત્યના દસ્તાવેજો માટે દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોય છે. આ ઈમારત જૂની અને નબળી બની જવાથી ઑફિસના કર્મચારીઓ ભયના માહોલમાં કામ કરી રહ્યા છે. અનેક જગ્યાએ છતનું પ્લાસ્ટર ઊખડી ગયું છે અને ગૅલરીઓમાં તિરાડો પડેલી જોવા મળે છે જેને કારણે કોઈ પણ સમયે અકસ્માત થાય એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની સરકારી ઑફિસો માટે સુરક્ષિત અને સુવિધાસભર ઈમારતો હોવી જરૂરી છે, પરંતુ અહીં એની વિરુદ્ધ સ્થિતિ જોવા મળે છે. અમુક વખત અહીં કામ માટે આવેલા નાગરિકોને ઑફિસમાં લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને ઈમારતની હાલત જોઈને લોકોમાં અસુરક્ષાની લાગણી ઊભી થાય છે. આ મુદે રાજ્ય સરકારે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. હજારો નાગરિકો દર મહિને અહીં આવતા હોવાથી આ ઈમારતનું રિપેરિંગ અથવા નવી ઈમારતનું નિર્માણ કરવું સમયની ડિમાન્ડ બની ગઈ છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના થાય એવી શક્યતા નકારી શકાતી નથી.”

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
