મુંબઈ મહાપાલિકા (બીએમસી)એ નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 80,952.56 કરોડનું જંગી બજેટ રજૂ કર્યું છે, જે ગયા વર્ષના રૂ. 74,427.41 કરોડના બજેટ કરતાં 8.77 ટકા વધુ છે. આ બજેટમાં નવા મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત નહીં કરવામાં આવી હોવા છતાં, હાલના મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સને ઝડપી ગતિ આપવા અને પાણી પુરવઠો વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટ મુંબઈના આધુનિક અને ટકાઉ વિકાસ માટે માર્ગદર્શક માનવામાં આવી રહ્યું છે. આ બજેટની ખાસિયત એ છે કે, બીએમસી હવે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને ડિસેલિનેશન પ્લાન્ટ જેવા ટકાઉ પ્રોજેક્ટ્સ માટે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ્સ દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
આ પગલાથી બીએમસીની આવક વધારવાની સાથે પર્યાવરણને અનુકૂળ વિકાસને પ્રોત્સાહન મળશે. હાલમાં બીએમસી પાસે કુલ રૂ. 81,449.32 કરોડનું અનામત ભંડોળ છે, જેમાંથી રૂ. 44,826.23 કરોડ અનામત સ્વરૂપમાં હોવાથી તેને મહાપાલિકા હાથ નહીં લગાવી શકે. જોકે બાકી રૂ. 36,623.09 કરોડની ડિપોઝિટનો ઉપયોગ આગામી સમયમાં વિવિધ વિકાસ પ્રકલ્પો પૂર્ણ કરવા માટે ઉપયોગ કરાશે.

કુલ બજેટમાંથી 60 ટકા, એટલે કે રૂ. 48,164 કરોડ મૂડીખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે, જ્યારે રૂ. 32,698 કરોડ મહેસૂલ ખર્ચ માટે પ્રસ્તાવિત છે. શહેરના મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સમાં સૌથી વધુ રૂ. 5,690 કરોડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) માટે, રૂ. 5,520 કરોડ રોડ કોંક્રીટાઇઝેશન માટે, રૂ. 4,000 કરોડ વર્સોવા-ભાયંદર કોસ્ટલ રોડ માટે અને રૂ. 2,650 કરોડ ગોરેગાંવ- મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) માટે ફાળવવામાં આવ્યા છે.
પુલોના વિકાસ માટે રૂ. 9,650 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે માર્ગ અને ટ્રાફિક વિભાગ માટે રૂ. 6,875 કરોડ ફાળવાયા છે. પાણી પુરવઠો મજબૂત બનાવવા માટે રૂ. 6,475 કરોડ ફાળવાયા છે, જેમાં મનોરી ડિસેલિનેશન પ્લાન્ટ માટે રૂ. 500 કરોડ અને ગાર્ગાઈ ડેમ પ્રોજેક્ટ માટે રૂ. 437.51 કરોડનો સમાવેશ થાય છે.
આવશ્યક સેવાઓનાં સુધારો કરાશે મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે, આ બજેટ શહેરની માળખાગત સુવિધાઓ મજબૂત કરવા, આવશ્યક સેવાઓમાં સુધારો કરવા અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિસ્તબદ્ધ નાણાકીય વ્યવસ્થાપન અને લાંબા ગાળાના આયોજન દ્વારા મુંબઈને વિશ્વસ્તરીય શહેર બનાવવા માટે બીએમસી પ્રતિબદ્ધ છે. આ બજેટ દર્શાવે છે કે બીએમસી મુંબઈના સર્વાંગી વિકાસ માટે માર્ગ, પાણી, પુલો અને પર્યાવરણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરીને શહેરના મેગા મેકઓવર તરફ આગળ વધી રહી છે.

હવાની ગુણવત્તા સુધારવા પર ભાર હવાની ગુણવત્તા સુધારવા માટે પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગનું બજેટ બમણું કરીને રૂ. 159 કરોડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બીએમસી દ્વારા હાલમાં રૂ. 2.13 લાખ કરોડના કુલ માળખાગત પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
