બોલિવુડ દિગ્દર્શક -નિર્માતા રોહિત શેટ્ટીના જહૂ સ્થિત નિવાસ્થાન પર ગોળીબારના કેસની તપાસ હજુ ચાલુ છે. ત્યારે હવે બોલિવુડના અભિનેતા રણવીર સિંહને મંગળવારે વોટ્સએપ એપ્લિકેશન પર વોઈસ નોટ દ્વારા ધમકીભર્યો સંદેશો મળ્યો હતો. આ વોઈસ નોટમાં રણવીર પાસે કરોડોની ખંડણીની માગણી કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધમકીભર્યા મેસેજ બાદ ગુનો નેંધીને આ વોઈસ નોટ મોકલનારની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ, ધમકીભર્યો વોઈસ નોટ એક અજાણ્યા નંબર પરથી મોકલવામાં આવ્યો હતો અને તેમાં રણવીર સિંહને ચેતવણી આપવામાં આવી હતી કે તેની પ્રવૃત્તિઓ બંધ કરે, નહીંતર રોહિત શેટ્ટી જેવા પરિણામો ભોગવવા પડશે.
આ વોઈસ નોંટ્સનો અવાજ અજાણ્યો હતો અને તેમાં હિન્દી તથા મરાઠી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધુમાં મેસેજ મોકલનાર શખ્સે કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો. જેથી ધમકીને ગંભીરતાથી લેતા રણવીરે વોઈસ નોટ સાચવી રાખી હતી અને તરત જ આ અંગે મુંબઈ પોલીસને આ અંગે જાણ કરી હતી.

મુંબઈ પોલીસની ટીમ મુંબઈના પ્રભાદેવી ખાતેના રણવીર અને દીપિકાનાં ઘરે પહોંચી હતી અને તેનાં સમગ્ર હાઉસિંગ કોમ્પ્લેક્સમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ ટેકનિકલ ટીમોએ વોઈસ નોટના મૂળને શોધી કાઢવા અને મેસેજ મોકલનારને ઓળખવા માટે ડિજીટલ પુરાવાઓની તપાસ હાથ ધરી હતી.
રણવીરને ધમકીથી બોલિવુડમાં ભયનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ૩૧ જાન્યુઆરીના રાત્રે દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહૂ વિસ્તારમાં નવ માળની ઈમારતમાં પહેલા માળે રાત્રે લગભગ ૧૨.૪૫ વાગ્યાની આસપાસ ગોળીબાર કરવામાં આવ્યો હતો.આમાં પાંચ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. જેમાંથી એક ગોળી જીમના કાચમાં વાગી હતી. ઘટના બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ હુમલા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેગે સોશિયલ મિડીયા પોસ્ટ દ્વારા આની જવાબદારી સ્વીકારી હતી અને આરજુ બિશ્નોઈ તરીકે ઓળખાતા એક શખ્સે ઓડિયો સંદેશો બહાર પાડીને આ ઘટનાની જવાબદારી સ્વીકારી હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આશંકા છે કે રોહિત શેટ્ટીને ત્યાં ગોળીબાર તથા રણવીરને મળેલી ધમકીની ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને ખંડણીના ઈરાદાથી આ મેસેજ મોકલ્યો હોવાની શંકા છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તમામ એંગલથી તપાસ હાથ ધરી હતી.

પોલીસનો મોટો કાફલો સોસાયટીમાં ઉતરી પડતાં સોસાયટીના અન્ય રહીશોએ તેનો વિરોધ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.હાઉસિંગ સોસાયટી મેનેજમેન્ટે પોલીસને પત્ર લખીને સ્પષ્ટતા માંગી હતી. આમાં સામાન્ય વિસ્તારોમાં સશસ્ત્ર કર્મચારીઓની અવરજવરને કારણે રહેવાસીઓને થતી અસુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, રણવીર સિંહ આદિત્ય ધર સાથે તેની જંગી કમાણી કરનાર ‘ધુરંધર’ ફિલ્મના બીજા ભાગ ‘ધુરંધર ધી રિવેન્જ’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૧૯ માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
