મૅયર અને ડેપ્યુટી મૅયરની બુધવારે થનારી ચૂંટણી સાથે જ મુંબઈ મહાનગરપાલિકામાં લગભગ ચાર વર્ષથી રહેલું વહીવટી શાસન આખરે સમાપ્ત થશે, જે સાત માર્ચ, ૨૦૨૨ના ચૂંટાયેલા નગરસેવકોના કાર્યકાળ પૂરા થયા બાદ લાગુ થયો હતો અને અત્યાર સુધીનો સૌથી લાંબો પ્રશાસકીય વહીવટી કાળ ગણાય છે. બુધવારે ભાજપના નગરસેવિકા રીતુ તાવડે મુંબઈના ૭૭માં મેયર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવશે, જે ભાજપ માટે પણ ૪૪ વર્ષ પછી મુંબઈ મહાનગરપાલિકામાં તેમનું પુનરાગમન રહેશે. એ સાથે જ એશિયાની સૌથી શ્રીમંત કહેવાતી મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાનું લગભગ ત્રણ દાયકાથી રહેલા વર્ચસ્વનો પણ ઔપચારિક રીતે અંત લાવશે.
મુંબઈ મહાનગરપાલિકા-૨૦૨૬ની ચૂંટણીમાં ૨૨૭ વોર્ડમાંથી ૮૯ વોર્ડમાં ભાજપના નગરસેવકો ચૂંટાઈ આવતા તે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો, જ્યારે તેમનો સાથી પક્ષ શિવસેના (શિંદ) ૨૯ બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો. કોંકણ ડિવિઝનલ કમિશનર પાસે ભાજપે, શિંદે સેના સાથે એક જૂથ તરીકે અને તેમાં એનસીપીના ચાર નગરસેવકો પણ જોડાયા હોવાથી મહાયુતિ ગઠબંધનની સંખ્યા હવે ૧૨૨ થઈ ગઈ છે, તેનાથી હવે મહાનગરપાલિકા પર તેમનું નિયંત્રણ વધુ મજબૂત બની ગયું છે.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ મૅયર પદ માટેની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેતા રિતુ તાવડે ૧૧ ફેબ્રુઆરીએ મુંબઈના મેયર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવશે. તે સાથે જ મુંબઈમાં પોતાના જોરે મુંબઈ મહાનગરપાલિકા પર કબજો કરવાનું ભાજપનું દાયકા જૂનું સપનું પૂરું થશે. શિંદેસેનાના સંજય ઘાડી ડેપ્યુટી મૅયર પદ સંભાળશે.
મુંબઈમાં ભાજપના પહેલા મૅયર ડૉ. પ્રભાકર પૈ હતા, જેમણે ૧૯૮૨થી ૧૯૮૩ સુધી પાર્ટીની સ્થાપનાના થોડા વર્ષ સુધી પદ સંભાળ્યું હતું. એ બાદ ૧૯૯૭માં અવિભાજિત શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા મેળવી હતી. ભાજપની ૨૬ બેઠક સામે તેમણે ૧૦૩ બેઠકો જીતી હતી. તેથી શિવસેનાએ તેમની સાથે મૅયર પદ કે પછી અન્ય કોઈપણ વૈધાનિક સમિતિના અધ્યક્ષપદની વહેંચણી કરવાનો ઈનકાર કર્યો હતો. તેથી ભાજપ પાસે ફક્ત સ્પેશિયલ કમિટી જ રહી હતી.
હવે લગભગ ત્રણ દાયકા બાદ ભાજપ સૌથી ધનિક ગણાતી મુંબઈ મહાનગરપાલિકા પર સંપૂર્ણરીતે નિયંત્રણ મેળવવા માટે તૈયાર થઈ ગઈ છે.
મંગળવારે દક્ષિણ મુંબઈમાં પાલિકાના મુખ્યાલયની આજુબાજુના વિસ્તારથી લઈને હુતાત્મા ચૌક સુધીનો વિસ્તાર ભાજપના ભગવા ઝંડાથી છવાઈ ગયો હતો, જે મેયરની ચૂંટણી પહેલા પક્ષના ઐતિહાસિક રાજકીય પુનરાગમનના સંકેત સાથે રાજકીય શક્તિનું પ્રદર્શન માનવામાં આવે છે.

બુધવારના મેયરની ચૂંટણી સાથે જ મુંબઈ મહાનગરપાલિકામાં ચાર વર્ષના વહીવટી શાસનનો અંત આવશે, જે તેના ૧૫૦ વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી લાંબો ગણાય છે. મુંબઈ મહાનગરપાલિકાના તત્કાલિકન કમિશનર ઈકબાલસિંહ ચહલને આઠ માર્ચ, ૨૦૨૨ના રોજ રાજ્યના પ્રશાસક તરીકે નીમવામાં આવ્યા હતા અને માર્ચ, ૨૦૨૪માં ભૂષણ ગગરાણી તેમને સ્થાને આવ્યા હતા.
આ સમયગાળા દરમ્યાન ચૂંટાયેલા નગરસેવકોને બદલે પાલિકાનો કારભાર કમિશનરના નેતૃત્વમાં પાલિકાના અધિકારીઓ અને બ્યુરોકેટ્સ દ્વારા ચલાવવામાં આવતો હતો. ચૂંટાયેલા નગરસેવકો હવે ફરી આવ્યા હોવાથી મુંબઈના ૨૬ પ્રશાસકીય વોર્ડ અને ૨૨૭ નગરસેવકો ફરી તેમના કામ શરૂ કરશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
