એમ.એસ.યુનિવર્સિટીમાં થયેલું આ સંશોધન કેન્સરની સારવારમાં નવી દિશા આપનાર સાબિત થઈ શકે છે અને હળદર જેવી સામાન્ય વસ્તુમાંથી અસામાન્ય વૈજ્ઞાનિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી હળદર હવે માત્ર સ્વાદ અને આયુર્વેદ પૂરતી સીમિત રહી નથી, પરંતુ કેન્સર સારવારમાં ક્રાંતિકારી ભૂમિકા ભજવવા જઈ રહી છે. એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકોએ હળદરના ઉપયોગથી એવી સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી છે, જે કેન્સરની દવાઓની ગંભીર આડઅસર ઘટાડવામાં મદદરૂપ બનશે. આ સંશોધનથી કેન્સરની સારવાર વધુ અસરકારક અને દર્દીઓ માટે વધુ સુરક્ષિત બનવાની આશા જગાઈ છે.
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોરના માર્ગદર્શન હેઠળ સંશોધક ત્વરા કિકાણી અને કૃતિકા પટેલની ટીમે આ મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ કેન્સરના કોષોની સાથે શરીરના સ્વસ્થ કોષોને પણ નુકસાન પહોંચાડે છે, કારણ કે આ દવાઓ સારા અને ખરાબ કોષો વચ્ચે તફાવત કરી શકતી નથી.

આ સમસ્યા લાંબા સમયથી વૈજ્ઞાનિકો માટે પડકારરૂપ રહી છે. તેના ઉકેલ માટે સંશોધક ટીમે એગ્રિગેશન ઈન્ડયુસ્ડ એમિશન ટેકનિકનો ઉપયોગ કરીને હળદરના મુખ્ય ઘટક કરક્યુમિનને નેનો પાર્ટિકલ્સમાં રૂપાંતરિત કર્યા છે. આ નેનો પાર્ટિકલ્સને દવા પર કોટિંગ કરીને જ્યારે શરીરમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તે સીધા કેન્સરના કોષોને શોધીને તેમને જ ટાર્ગેટ કરે છે, જેના કારણે સ્વસ્થ કોષોને થતું નુકસાન અટકે છે અને દવાની આડઅસર નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
હાલમાં આ સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમનો પ્રયોગ લિવર અને બ્રેસ્ટ કેન્સરના કોષો પર કરવામાં આવ્યો છે, જેમાં હકારાત્મક પરિણામો મળ્યા છે. સંશોધકોએ ભવિષ્યમાં અન્ય પ્રકારના કેન્સરના કોષો પર પણ આ ટેકનોલોજી અજમાવવાની યોજના બનાવી છે. આ સંશોધનની વૈજ્ઞાનિક મહત્વતાને માન્યતા મળતાં અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા પ્રકાશિત થતી પ્રતિષ્ઠિત જર્નલ ‘બાયોમેક્રોમોલેક્યુલ્સ’માં તેને સ્થાન મળ્યું છે. વધુમાં, નિરમા યુનિવર્સિટી સાથેના સહયોગથી આ સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમનો ઉંદરો પર પણ અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં પણ ઉત્સાહજનક અને આશાસ્પદ પરિણામો સામે આવ્યા છે. આથી ભવિષ્યમાં માનવ પર ક્લિનિકલ ટ્રાયલ્સ માટેનો માર્ગ વધુ સ્પષ્ટ બન્યો છે.
સંશોધકોનું કહેવું છે કે કરક્યુમિનના નેનો પાર્ટિકલ્સ માત્ર દવા પહોંચાડવાનું કામ જ નથી કરતા, પરંતુ તે ‘સ્પોટ લાઈટ’ તરીકે પણ કાર્ય કરે છે. એક વિશેષ રાસાયણિક પ્રક્રિયાના કારણે જ્યારે આ નેનો પાર્ટિકલ્સ દવા સાથે કેન્સરના ટ્યૂમર પાસે એકત્રિત થાય છે, ત્યારે તે પ્રકાશ ફેંકે છે. આ પ્રકાશના આધારે ટ્યૂમરની ઈમેજ પણ લેવામાં આવી શકે છે, જેથી દવા આપ્યા બાદ ટ્યૂમરના કદમાં ઘટાડો થયો છે કે નહીં તે જાણી શકાય છે. આ ટેકનોલોજીથી દવાના ડોઝમાં જરૂરી ફેરફાર કરવાનું પણ સરળ બને છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
