નાશિકના સપ્તશ્રુંગી ગઢ પાસે રવિવારે ઇનોવા ઊંડી ખીણમાં ખાબકતાં 6 ભક્તોના મોતના કેસમાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃતકના પરિવારજનો માટે 5 લાખની સહાય જાહેર કરી હતી. તમામ મૃતકો કચ્છી પાટીદાર સમાજના હતા. નાશિક જિલ્લાના સપ્તશ્રુંગી ગઢ ખાતે રવિવારે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. દેવીના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ઇનોવા કાર ગણપતિ પોઈન્ટ નજીક ઊંડી ખીણમાં પડી જતાં 6 ભક્તોના મોત થયાની પુષ્ટિ મળી છે. કાર ભયંકર ઝડપે 800 ફૂટ નીચે ખીણમાં પટકાતાં અકસ્માત અત્યંત ઘાતક બન્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ઈનોવા કારમાં 6 જણ મુસાફરી કરી રહ્યા હતા. ઘટનાસ્થળે જ તેમનાં મોત થયા હતા. પ્રાથમિક તપાસ મુજબ, કાર ઘાટ પરથી નીચે ઉતરતી વખતે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, શક્યતા છે કે વાહનની ઝડપ વધુ હતી અથવા ટેકનિકલ ખામી થઈ હોઈ શકે. કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુનાં રક્ષણાત્મક દીવાલને તોડી સીધી ખીણમાં જઈ ખાબકી. કાર એટલી ઉંડાઈમાં પડી કે બચાવ દળને મૃતદેહ બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટના અંગે ટ્વીટ કરીને જણાવ્યું કે, નાશિકમાં બનેલી દુર્ઘટનાથી થયેલા મૃત્યુ અત્યંત દુઃખદ છે.

પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ દુર્ઘટનાને અત્યંત કમનસીબ અને આઘાતજનક ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, સપ્તશ્રુંગી ગઢ નજીક વાહન ખીણમાં પડતા 6 ભક્તોના મોત મુદ્દે હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના પરિવારોના દુઃખમાં ભાગીદાર છીએ. સરકારે મૃત્યુ પામેલા દરેક ભક્તના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતના સચોટ કારણો માટે પોલીસ સઘન તપાસ કરી રહી છે. સપ્તશ્રુંગી ગઢ પર દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી માર્ગ સલામતીના પ્રશ્નો ફરી ચર્ચામાં આવ્યા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
