કાંદિવલીમાં એટીએમ સેન્ટર બહાર ઊભેલી કૅશ વૅનમાંથી 63.13 લાખ રૂપિયા ચોરી ફરાર થઈ ગયેલા કર્મચારી સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. બંદૂકધારી ગાર્ડ અને કંપનીનો સાથી કર્મચારી એટીએમમાં રૂપિયા ભરવા ગયા ત્યારે ડ્રાઈવરની નજર ચૂકવી આરોપીએ રોકડ ભરેલી બે બૅગ આરોપી મિત્રની કારમાં મૂકી દીધી હતી. ફરિયાદ નોંધાયાના છ કલાકમાં જ બન્ને આરોપીને રાયગડ જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યા હતા.
કાંદિવલી પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ સુશાંત દીપક કાસારે (32) અને સુફિયાન રઝબ અલી (23) તરીકે થઈ હતી. બોરીવલી પશ્ર્ચિમના ગોરાઈ પરિસરમાં રહેતા બન્ને આરોપી પાસેથી 62.74 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી કાસારે છેલ્લાં પાંચ વર્ષથી બૅન્કોનાં એટીએમમાં કૅશ ભરનારી કંપનીમાં કામ કરતો હતો. તેને રોકડ ભરેલી બૅગ વૅનના જે ભાગમાં મૂકવામાં આવે તેના દરવાજાના લૉકની સારીપેઠે જાણકારી હતી.

મંગળવારની રાતે 9.40 વાગ્યાની આસપાસ કંપનીની કૅશ વૅન કાંદિવલી પશ્ર્ચિમમાં એમ. જી. રોડ પર આવેલા એટીએમ સેન્ટર બહાર ઊભી હતી. વૅનનો ગાર્ડ એક કર્મચારી સાથે એટીએમ સેન્ટરમાં રોકડ ભરેલી બૅગ સાથે ગયો હતો ત્યારે આરોપી કાસારે વૅન પાસે ઊભો હતો. વૅનનો ડ્રાઈવર તેની સીટ પર બેઠો હતો. ડ્રાઈવર બે ધ્યાન હતો ત્યારે દરવાજો ખોલીને કાસારેએ વૅનમાંથી રોકડ ભરેલી બે બૅગ સેરવી લીધી હતી અને વૅનની પાછળ ઊભેલી કારમાં બન્ને બૅગ મૂકી દીધી હતી.
પોલીસ તપાસમાં જણાયું હતું કે એ કારની સગવડ કાસારેના આરોપી મિત્ર અલીએ કરી હતી. યોજનાબદ્ધ રીતે કાર વૅન પાછળ પાર્ક કરવામાં આવી હતી. રોકડ ચોર્યા પછી આરોપી કારમાં ફરાર થઈ ગયા હતા. આ અંગે બીજા કર્મચારીને જાણ થતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી.
પોલીસે ઘટનાસ્થળ નજીક લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે લાલ રંગની કારને ઓળખી કાઢી હતી. ફૂટેજને આધારે આરોપીના ઓળખીતાઓની પૂછપરછ કરીને આરોપી સંબંધી માહિતી મેળવવામાં આવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં કાર રાયગડ જિલ્લાના મહાડની દિશામાં જતી નજરે પડી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની ટીમે તાત્કાલિક કારનો પીછો શરૂ કર્યો હતો. પેણ તાલુકાના નાગોઠાણે ખાતેના બાભળી ગામ પાસે કારને આંતરવામાં આવી હતી. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
