તસ્કરો સામે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ મુંબઈના મુલુન્ડ (વેસ્ટ) વિસ્તારમાં વાહનચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ બનેલી એક ચોંકાવનારી ઘટનામાં સપ્તર્ષી પાર્ક, સ્વપ્નનગરી ખાતે રહેતા એક જ ગુજરાતી પરિવારની બે કિંમતી ટુ-વ્હીલર બાઈકની ચોરી થતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. શંકરલાલ ભાનુશાલી અને તેમના ભત્રીજા રાજ ભાનુશાલીએ કુલ ₹૧,૪૫,૦૦૦ની કિંમતના પોતાના વાહનો ગુમ થયા અંગે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત ૨૬ ઓગસ્ટના રોજ શંકરલાલ ભાનુશાલી કોઈ કામ અર્થે દાદર જવા માટે પોતાની બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા. તેમણે પોતાની રૂ. ૯૫,૦૦૦ની કિંમતની બાઈક ખિંડીપાડા બસ સ્ટોપ પાસે સુરક્ષિત જગ્યાએ પાર્ક કરી હતી અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા. જોકે, સાંજે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે પાર્કિંગની જગ્યા પરથી તેમની બાઈક ગાયબ હતી.

બાઈક ન મળતાં શંકરલાલજીએ ઘરે આવીને પોતાની સાથે રહેતા ભત્રીજા રાજ ભાનુશાલીને આ ઘટના અંગે વાત કરી હતી. ત્યારે રાજે પણ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, આશરે ૧૫ દિવસ અગાઉ તેની પણ રૂ. ૫૦,૦૦૦ની કિંમતની હોન્ડા એક્ટિવા ચોરાઈ ગઈ હતી!
કાકા-ભત્રીજા બંનેએ મળીને પોતાના બંને વાહનોની શોધખોળ આસપાસના વિસ્તારોમાં કરી હતી, પરંતુ કોઈ પત્તો ન મળતાં આખરે મુલુન્ડ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ આધારે તપાસ આરંભી
એક જ ઘરમાંથી બે વાહનો ચોરાયા હોવાની બાબતને ગંભીરતાથી લઈને મુલુન્ડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખિંડીપાડા બસ સ્ટોપ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી (CCTV) ફૂટેજ ચકાસીને ચોરોનું સગડ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
