મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં કનેક્ટિવિટી સુધારવા અને ટ્રાફિક જામની સમસ્યાને જડમૂળથી દૂર કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા એક મહત્ત્વાકાંક્ષી પગલું ભરવામાં આવ્યું છે. ગુરુવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ MMRDAએ બે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના પ્રસ્તાવ રજૂ કર્યા છે. જેમાં મુંબઈના પૂર્વ અને પશ્ચિમ કોરિડોરને જોડતી 31 કિલોમીટર લાંબી ઇન્ટિગ્રેટેડ રોડ ટનલ સિસ્ટમ (જેને ‘પાતાળ લોક’ તરીકે પણ ઓળખવામાં આવે છે) અને ઉત્તન-ભાઈંદર-વિરાર સી-લિંકના સુધારેલા એલાઇનમેન્ટનો સમાવેશ થાય છે.
શું છે 31 કિમી લાંબો ‘પાતાળ લોક’ ટનલ પ્રોજેક્ટ? MMRDA દ્વારા પ્રસ્તાવિત આ ઇન્ટિગ્રેટેડ રોડ ટનલ સિસ્ટમનો વન-વે (એક તરફી) માર્ગ આશરે 31 કિલોમીટર લાંબો હશે. આ ભૂગર્ભ માર્ગ મુંબઈના મહત્ત્વના ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવેને સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. ખાસ એન્ટ્રી અને એક્ઝિટ રૂટ્સ દ્વારા આ ટનલ નીચેના સ્થળોને જોડશે:

- બાંદ્રા-વરલી સી લિંક (BWSL)
- બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત બુલેટ ટ્રેન સ્ટેશન અને BKC વિસ્તાર
- ધારાવી
- છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ-2 (T2)
- વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (WEH) અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (EEH)
ઉત્તન-ભાઈંદર-વિરાર સી-લિંક અને વધાવન પોર્ટ કનેક્ટિવિટી આ બેઠકમાં પ્રસ્તાવિત ઉત્તન-ભાઈંદર થી વિરાર સી-લિંકના સુધારેલા એલાઇનમેન્ટ (માર્ગ) અંગે પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ સી-લિંક આગામી મુંબઈ-વધાવન એક્સપ્રેસવે કનેક્ટિવિટીનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બનશે. આ બંને પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી મુસાફરીના સમયમાં મોટો ઘટાડો થશે, રસ્તાઓ પરનું ભારણ હળવું થશે અને આગામી વધાવન પોર્ટ સાથેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
‘વર્ષા’ બંગલે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે તેમની અધ્યક્ષતામાં આ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ અસીમ કુમાર ગુપ્તા, MMRDAના મેટ્રોપોલિટન કમિશનર ડૉ. સંજય મુખર્જી, અધિક કમિશનર પી. વેલારાસુ, BMC કમિશનર અશ્વિની ભીડે, થાણે મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવ અને મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


