હવા પ્રદૂષણ ફેલાવતી ચિમનીઓ અને ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવાના હાઇકોર્ટના સ્પષ્ટ નિર્દેશો બાદ કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB) અને કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (KDMC) દ્વારા પ્રદૂષણ ફેલાવતા એકમો અને પરંપરાગત રીતે લાકડાં સળગાવીને ભઠ્ઠીઓ ચલાવતી બેકરીઓ સામે સતત કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
પ્રદૂષણ મુક્ત બનવા તરફ બેકરી સંચાલકોનું પગલું
પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી સતત કડક કાર્યવાહીના કારણે કલ્યાણ અને ડોમ્બિવલી વિસ્તારના ૭૦થી વધુ બેકરી માલિકોએ પોતે જ પોતાની જૂની લાકડા અને કોલસાની ભઠ્ઠીઓ તેમજ ચિમનીઓ બંધ કરી દીધી છે. તેના સ્થાને હવે પર્યાવરણને અનુકૂળ એવી ઇલેક્ટ્રિક શેગડીઓ (વિદ્યુત ઓવન)થી ચાલતી બેકરીઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

જૂની પદ્ધતિથી થતું હતું ગંભીર હવા પ્રદૂષણ
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા સીમામાં છેલ્લા ઘણા વર્ષોથી ૭૦થી વધુ બેકરીઓ ધમધમી રહી છે. જૂની બેકરીઓમાં બેકિંગ માટે લાકડાં, કોલસો કે ડાંગરના છોતરાં (ફોતરી)નો ઉપયોગ કરવામાં આવતો હતો. ભઠ્ઠીઓ સળગાવ્યા બાદ નીકળતો ઝેરી ધુમાડો કોઈપણ ફિલ્ટર કે ટ્રીટમેન્ટ વગર સીધો ચિમનીઓ દ્વારા હવામાં છોડવામાં આવતો હતો, જેનાથી વિસ્તારમાં ગંભીર વાયુ પ્રદૂષણ ફેલાતું હતું.
બેદરકાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની ચીમકી
હવા પ્રદૂષણ પર લગામ કસવા માટે હાઇકોર્ટે વખતોવખત સખત વલણ અપનાવ્યું છે. જેને પગલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મહાનગરપાલિકાઓ અને પંચાયતો વધુ ગતિશીલ બનીને કામગીરી કરી રહી છે. આ કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે પણ કડક શિક્ષાત્મક પગલાં ભરવાની ચેતવણી શાસન દ્વારા આપવામાં આવી છે. હાલમાં પ્ર ભાગ સહાયક આયુક્તો દ્વારા પોતપોતાના ક્ષેત્રમાં આવેલી બેકરીઓ અને પ્રદૂષણ ફેલાવતા અન્ય એકમોની સઘન તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



