જૈન દીક્ષાનો પવિત્ર સંકલ્પ લેનાર મુમુક્ષુ જાનવી શાહ અને મુમુક્ષુ યશવી મહેતાને યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા ભાવભર્યું અભિવાદન
મુંબઈની પ્રતિષ્ઠિત કે. જે. સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ધર્મ સ્ટડીઝ, સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટી ખાતે એક વિશેષ ગૌરવપૂર્ણ અને મંગલમય અવસર સર્જાયો હતો. યુનિવર્સિટીના ધર્મ અભ્યાસ વિભાગમાં જૈન ધર્મનો અભ્યાસ કરનાર મુમુક્ષુ જાનવી શાહ અને મુમુક્ષુ યશવી મહેતા હવે સાંસારિક જીવનનો ત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યાં છે. આ પવિત્ર સંકલ્પને બિરદાવતાં યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા બંને મુમુક્ષુઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.



આ અવસરે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી અજય કપૂરજી, ગવર્નિંગ બોડીના સભ્ય શ્રી નિમિત શેઠજી, રજિસ્ટ્રાર શ્રી નંદકુમાર ગિલકેજી, ધર્મ અભ્યાસ વિભાગનાં વડાં શ્રીમતી પલ્લવીજી સહિત અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ જ્યારે એ જ જ્ઞાનને જીવનમાં આત્મસાત્ કરી ત્યાગ, વૈરાગ્ય અને સંયમના સર્વોચ્ચ માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરે, ત્યારે તે સમગ્ર શૈક્ષણિક સંસ્થા માટે ગૌરવની ક્ષણ બની રહે છે.

યુનિવર્સિટીના અધ્યાપકોએ બંને મુમુક્ષુઓના સંયમમાર્ગ પ્રત્યેના અડગ સંકલ્પને બિરદાવતાં ગૌરવ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. બંને મુમુક્ષુઓની આ આધ્યાત્મિક યાત્રા માત્ર તેમના જીવનનો જ નહીં, પરંતુ તેમને શિક્ષણ આપનાર સંસ્થા માટે પણ એક વિશેષ પ્રેરણાદાયી અવસર બની રહી હતી. આ સન્માન સમારોહ દ્વારા જ્ઞાનથી વૈરાગ્ય અને વૈરાગ્યથી સંયમ તરફની બંને મુમુક્ષુઓની પવિત્ર યાત્રાને હૃદયપૂર્વક અનુમોદના અર્પણ કરવામાં આવી હતી.


Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


