સફળ લીડર બીજાની સફળતામાં લેડર બને!
અર્નિંગ કરતાં મનની શાંતિ અને ગુડલક અને કરવું વધુ મહત્ત્વનું છે સફળતામાં આંખ બંધ થઈ જાય છે, નિષ્ફળતામાં અંદરની
આંખ ખૂલે છે – નમ્રમુનિ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો) દ્વારા ‘ફાઉન્ડર ફાઇલ્સ’ નામના પ્રેરણાદાયી કાર્યક્રમનું ઘાટકોપરમાં પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સફળતાના શિખરો સર કરનાર જીતો ઘાટકોપર, જીતો એપેક્સ, જીતો મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ અને એન્ટ્રપ્રેન્યર્સે પોતાની સંઘર્ષથી સફળતા સુધીની વિકાસયાત્રા રજૂ કરીને ઉપસ્થિત સહુને પ્રેરણા પૂરી પાડી હતી. વ્યવસાયિક સફળતાની સાથે જીવનમૂલ્યો, મનની શાંતિ અને પરસ્પર સહયોગનું મહત્ત્વ સમજાવતો આ કાર્યક્રમ વિશેષ પ્રેરણાદાયી બની રહ્યો હતો. આ અવસરે જીતો એપેક્સના ચેરમેન શ્રી પૃથ્વીરાજજી કોઠારી વિશેષ ભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા.



ઉપસ્થિત સહુને સફળતાનો સાચો મંત્ર આપતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, જીવનના કોઈપણ ક્ષેત્રમાં જેણે નિષ્ફળતાનો અનુભવ કર્યો છે, તેણે જ વાસ્તવિક જીવનને સાચા અર્થમાં ઓળખ્યું છે. સફળતા મળે ત્યારે ઘણીવાર માણસની આંખ બંધ થઈ જાય છે, પરંતુ નિષ્ફળતા મળે ત્યારે તેની અંદરની આંખ ખૂલી જાય છે. નિષ્ફળતા એ જીવનનો અંત નથી, પરંતુ જીવનને નવી દષ્ટિથી જોવાની તક છે.
પરમ ગુરુદેવે વધુમાં ફરમાવ્યું હતું કે, જીવન માત્ર મની અર્નિંગ માટે નથી. ધનસંપત્તિની કમાણી કરતાં મનની શાંતિનું મહત્ત્વ અનેકગણું વધારે છે. જીવનમાં માત્ર મની અર્નિંગ નહીં, પરંતુ ગુડલક અર્નિંગ પણ કરવું જોઈએ. જે બીજાને આગળ વધારે છે, તે ક્યારેય પાછળ રહેતા નથી. જે પોતાના લાભનો ત્યાગ કરીને બીજાના હિતનો વિચાર કરે છે, તેને અનેકગણો લાભ પ્રાપ્ત થાય છે. એક સાચા લીડરે માત્ર લીડર બનીને નહીં, પરંતુ લેડર બનીને બીજાને સફળતાની ઊંચાઈએ પહોંચાડવા જોઈએ. સફળતાનું સાચું માપદંડ માત્ર વ્યક્તિ પોતે કેટલી આગળ વધી છે તે નથી, પરંતુ તેણે પોતાની સાથે કેટલા લોકોને આગળ વધાર્યા છે તે પણ છે.


આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં એમ.આઈ.સી.એલ ગ્રુપના ડિરેક્ટર શ્રી મનનભાઈ શાહ, આલ્ફ એક્યુરેટ એડવાઇઝર્સના સ્થાપક અને CIO શ્રી રાજેશભાઈ કોઠારી, જે.વી.એમ સ્પેસીસના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મંથનભાઈ મહેતા તથા નોર્ટેકના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) શ્રી સુમિતભાઈ જૈન સહિત અનેક સફળ ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સે પોતાની વ્યવસાયિક વિકાસયાત્રાના મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન્સ, અનુભવો અને સફળતાના મંત્રો રજૂ કર્યા હતા. તેમના વક્તવ્યો દ્વારા ઉપસ્થિત સહુને વ્યવસાયમાં પડકારોનો સામનો કરવા, નવી તકોનું સર્જન કરવા અને સતત પ્રગતિશીલ રહેવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. વ્યવસાયિક સફળતાને આધ્યાત્મિક જીવનમૂલ્યો સાથે જોડતો જીતોનો આ ‘ફાઉન્ડર ફાઇલ્સ’ કાર્યક્રમ ઉપસ્થથત ઉદ્યોગપતિઓ માટે પ્રેરણાનો અવસર બની રહ્યો હતો.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


