મુલુન્ડ (પૂર્વ) વિસ્તારમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવી લાખો રૂપિયાના સોનાના દાગીના પર હાથસાફ કર્યો છે. ગવનપાડા વિસ્તારમાં આવેલી સૂર્યદર્શન સોસાયટીમાં બનેલી આ ઘટના અંગે નવઘર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સૂર્યદર્શન સોસાયટીમાં રહેતા ભીમાબાઈ ગોરે ઘરકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨ સપ્ટેમ્બરના રોજ તેમના પતિની તબિયત અચાનક લથડતાં, ભીમાબાઈ તેમની પુત્રી ચૈતાલી સાથે પતિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા.

દરમિયાન, હોસ્પિટલમાં જરૂરી ઉપચાર પતાવ્યા બાદ ચૈતાલી બેંકના કામકાજ માટે ગઈ હતી. બેંકનું કામ પતાવીને જ્યારે તે ઘરે પરત ફરી ત્યારે તેના હોશ ઊડી ગયા હતા. ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું. ચૈતાલીએ તુરંત ઘરમાં અંદર જઈને તપાસ કરતા લોખંડના કબાટનું લોકર પણ તૂટેલું મળ્યું હતું.
તસ્કરો કબાટના લોકરમાં રાખેલા આશરે ૪૨ ગ્રામ વજનના સોનાના મંગળસૂત્ર, ગળાનો હાર, બુટ્ટી અને વીંટી સહિતના કિંમતી ઘરેણાં ચોરીને ફરાર થઈ ગયા હતા. ચૈતાલીએ તાત્કાલિક આ અંગે પોતાની માતા ભીમાબાઈને જાણ કરી હતી. ભીમાબાઈ તુરંત ઘરે પહોંચ્યા હતા અને ચોરી થઈ હોવાની ખાતરી થતાં વિસ્તારમાં તપાસ આદરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શાતિર ચોરોએ માત્ર આ એક જ ઘર નહીં, પરંતુ આ જ બિલ્ડિંગમાં અન્ય એક જગ્યાએ પણ ચોરી કરવાનો કે પ્રયાસ કરવાનો અંજામ આપ્યો હતો.

આ ઘટના બાદ ભીમાબાઈ ગોરેએ નવઘર પોલીસ સ્ટેશન પહોંચીને ચોરીની લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યા છે. દિવસદાહડે બનેલી આ ઘટનાથી સૂર્યદર્શન સોસાયટી સહિત સમગ્ર મુલુન્ડ વિસ્તારના રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
