ઘાટકોપર (N-વોર્ડ)માં સૌથી વધુ નિયમભંગ
મુંબઈમાં સતત કથળી રહેલી હવાની ગુણવત્તા (AQI) અને વધતા જતા વાયુ પ્રદૂષણને નાથવા માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) હવે એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં ચાલી રહેલા બાંધકામ પ્રોજેક્ટ્સમાંથી ઉડતી ધૂળ પ્રદૂષણનું મુખ્ય કારણ બની રહી છે. પાલિકા દ્વારા જાહેર કરાયેલી 28 મુદ્દાની કડક માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો સામે પાલિકાએ લાલ આંખ કરી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 450 બાંધકામ સ્થળોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે નિયમોની ઐસીતૈસી કરનારી 60 સાઇટ્સ પર ‘સ્ટોપ વર્ક’ની નોટિસ આપી બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે.
મુંબઈગરાના સ્વાસ્થ્ય પર જોખમ અને પાલિકાની કડક કાર્યવાહી
છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈની હવા ઝેરી બની રહી છે, જેના કારણે નાગરિકોમાં શ્વાસની બીમારીઓ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો વધ્યા છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને મહાપાલિકા પ્રશાસને સુધારાત્મક પગલાં રૂપે બાંધકામ સ્થળો માટે 28 નિયમોની વિશેષ નિયમાવલી ફરજિયાત બનાવી છે. તેમ છતાં, સેંકડો ઠેકાણે આ નિયમોનું પાલન ન થતું હોવાનું ધ્યાને આવતા પાલિકાએ વોર્ડ સ્તરે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. નોટિસ મળ્યા બાદ પણ બેદરકારી દાખવનારા 60 પ્રોજેક્ટ્સને તાત્કાલિક અસરથી તાળા મારી દેવામાં આવ્યા છે.

શું છે પાલિકાની 28 મુદ્દાની મુખ્ય ગાઈડલાઈન?
હવાની ગુણવત્તા પર થતી માઠી અસર ઘટાડવા માટે BMCએ બાંધકામ સાઇટ્સ પર નીચે મુજબની વ્યવસ્થાઓ ફરજિયાત કરી છે:
- 35 ફૂટ ઊંચા પડદા: બાંધકામની ધૂળ બહાર ન ફેલાય તે માટે સાઇટની ફરતે ઓછામાં ઓછા 35 ફૂટ ઊંચા ગ્રીન નેટ કે પતરાના પડદા લગાવવા.
- વોટર સ્પ્રિન્કલર અને ફોગિંગ: ધૂળને બેસાડવા માટે સતત પાણીનો છંટકાવ કરતા સ્પ્રિન્કલર અને એન્ટિ-સ્મોગ ગનનો ઉપયોગ કરવો.
- એર ક્વોલિટી સેન્સર્સ: દરેક બાંધકામ સ્થળે હવાની ગુણવત્તા માપવા માટે સેન્સર્સ અને ડિસ્પ્લે બોર્ડ લગાવવા.
- કાટમાળનું યોગ્ય વહન: બાંધકામનો કાટમાળ (ડેબ્રિસ) લઈ જતા વાહનોને સંપૂર્ણપણે ઢાંકીને લઈ જવા.
ઘાટકોપર (N-વોર્ડ)માં સૌથી વધુ નિયમભંગ મહાપાલિકાના આંકડા મુજબ, નિયમોના ઉલ્લંઘન બદલ સૌથી વધુ કાર્યવાહી ઘાટકોપર વિસ્તારમાં કરવામાં આવી છે. વિવિધ વોર્ડમાં બજાવવામાં આવેલી નોટિસની વિગતો નીચે મુજબ છે:
| વોર્ડનું નામ | વિસ્તાર | અપાયેલી નોટિસની સંખ્યા |
| N વોર્ડ | ઘાટકોપર | 105 |
| T વોર્ડ | મુલુંડ | 52 |
| G-દક્ષિણ વોર્ડ | વરલી / પ્રભાદેવી | 48 |
| R-દક્ષિણ વોર્ડ | કાંદિવલી | 22 |
| R-મધ્ય વોર્ડ | બોરીવલી | 22 |
| G-ઉત્તર વોર્ડ | દાદર / માહિમ | 20 |
| H-પૂર્વ વોર્ડ | બાંદ્રા / સાંતાક્રુઝ (પૂર્વ) | 19 |
| P-પૂર્વ વોર્ડ | મલાડ (પૂર્વ) | 15 |
મહાપાલિકા પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે અને જો કોઈ પણ પ્રોજેક્ટ પર પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન નહીં થાય તો સીધું બાંધકામ બંધ કરાવવા સહિત દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


