નિયમ કરતાં વધુ ભાડું વસૂલીને મુસાફરોને પરેશાન કરતા રિક્ષાચાલકો સામે કલ્યાણ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ડોમ્બિવલી-વેસ્ટ વિસ્તારમાં સરકાર માન્ય ભાડાં કરતાં ₹૫ વધુ વસૂલવાની ફરિયાદો ઉઠતા મંગળવારે રાત્રે RTO દ્વારા ‘સરપ્રાઇઝ ચેકિંગ’ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન નિયમોનો ભંગ કરતા ૧૮ રિક્ષાચાલકો ઝડપાયા હતા, જેમને કુલ ₹૪૭,૦૦૦નો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી મનમાની કરતા રિક્ષાચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મુસાફરોની ફરિયાદ બાદ તંત્ર આવ્યું એક્શનમાં
છેલ્લા કેટલાક દિવસોથી ડોમ્બિવલીના મુસાફરો તરફથી વધુ ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદો ટ્રાન્સપોર્ટ વિભાગના ઓનલાઈન પોર્ટલ પર તેમજ કલ્યાણના ડેપ્યુટી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસર (Dy. RTO) આશુતોષ બારકુલને સીધી મળી રહી હતી. મુસાફરોની આ હાલાકીને ગંભીરતાથી લઈને RTOની ટીમે મંગળવારે રાત્રે મેદાનમાં ઉતરીને ૫૦થી વધુ રિક્ષાઓનું સઘન ચેકિંગ કર્યું હતું અને ગેરરીતિ આચરતા ચાલકો સામે દંડાત્મક પગલાં લીધાં હતાં.

યુનિયનના નામે ઉઘાડી લૂંટ: મહાત્મા ફુલે રોડ પર વધારે પડતી ફરિયાદો
મળતી માહિતી મુજબ, ડોમ્બિવલી-વેસ્ટના વ્યસ્ત ગણાતા મહાત્મા ફુલે રોડ પર દોડતા કેટલાક રિક્ષાચાલકોએ સ્થાનિક ઑટોરિક્ષા યુનિયનના હોદ્દેદારોના કહેવાતા નિર્ણયનો હવાલો આપીને છેલ્લા બે દિવસથી મુસાફરો પાસેથી ₹૫ વધારાનું ભાડું ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. સત્તાવાર મંજૂરી વિના કરવામાં આવેલા આ ભાડાં વધારાને કારણે રોજિંદા મુસાફરો અને રિક્ષાચાલકો વચ્ચે રકઝકના બનાવો પણ બન્યા હતા.
કાર્યવાહી છતાં મનમાની ચાલુ રહેતા પોલીસનો હસ્તક્ષેપ
RTO દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, કેટલાક માથાભારે રિક્ષાચાલકોએ બીજા દિવસે પણ વધારાનું ભાડું વસૂલવાનું ચાલુ રાખ્યું હતું. આ અંગે મુસાફરોએ ફરીવાર તંત્રનું ધ્યાન દોરતા આખરે સ્થાનિક પોલીસે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. પોલીસે રિક્ષા યુનિયનના પ્રતિનિધિઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને ગેરકાયદેસર ભાડાં વધારો તાત્કાલિક અસરથી બંધ કરવા અને નિયમ મુજબ જ ભાડું વસૂલવા કડક સૂચના આપી હતી.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


