ડોંબિવલીની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ડૉક્ટરો પર થયેલા કથિત હુમલાના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા શિવસેના (શિંદે જૂથ)ના કોર્પોરેટર રમેશ મ્હાત્રેની તબિયત અચાનક લથડતા તેમને કલ્યાણની આધારવાડી જેલમાંથી ઉલ્હાસનગર સેન્ટ્રલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શુક્રવારે સવારથી જ તેમને અસ્વસ્થતા અને બેચેની અનુભવાતા જેલ વહીવટી તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. હાલ તેઓ તબીબી દેખરેખ હેઠળ છે અને તેમની પ્રકૃતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
જેલમાં અસ્વસ્થતા જણાતા હોસ્પિટલમાં દાખલ
પ્રાપ્ત માહિતી અનુસાર, ડૉક્ટરો પર હુમલાના કેસમાં આધારવાડી જેલમાં બંધ રમેશ મ્હાત્રેએ શુક્રવારે સવારે અચાનક સ્વાસ્થ્ય સંબંધિત અસ્વસ્થતા અને તકલીફની ફરિયાદ કરી હતી. તેમની તબિયત ચિંતાજનક જણાતા જેલના ડૉક્ટરોએ પ્રાથમિક તપાસ કરી હતી અને વધુ સારવાર તેમજ સઘન તપાસ માટે તેમને તાત્કાલિક ઉલ્હાસનગર સેન્ટ્રલ હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય લીધો હતો.

ત્યાં પહોંચ્યા બાદ તબીબોએ તેમની વ્યાપક તપાસ કરી હતી અને હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. હૉસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ રમેશ મ્હાત્રેની તબિયત સ્થિર છે અને તેઓ ડૉક્ટરોની ઓબ્ઝર્વેશન હેઠળ છે.
શું છે સમગ્ર મામલો?
ડોંબિવલીની જાણીતી શાસ્ત્રીનગર હોસ્પિટલ ખાતે ડૉક્ટરો પર હુમલાની આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. આ પ્રકરણે તબીબી આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સરકારી તેમજ સાર્વજનિક હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડૉક્ટરો તથા હેલ્થકેર સ્ટાફની સુરક્ષાનો મુદ્દોટોચ પર આવ્યો હતો. આ જ કેસમાં કાનૂની કાર્યવાહીના ભાગરૂપે કોર્પોરેટર રમેશ મ્હાત્રે ન્યાયિક કસ્ટડી (જ્યુડિશિયલ કસ્ટડી) હેઠળ જેલવાસ ભોગવી રહ્યા છે. કસ્ટડી દરમિયાન જ તબિયત બગડતા રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


