મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવતી અને માનવતાને શરમસંચાર કરતી એક અત્યંત સંતપ્ત ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે પત્ની સાથે થયેલા તીવ્ર ઝઘડા બાદ ક્રોધાવિષ્ટ બનેલા ૨૩ વર્ષીય માથાફરેલ પિતાએ પોતાના જ ૯ મહિનાના કૂમળા બાળકને ઘાટકોપર રેલવે સ્ટેશનના સ્કાયવૉક પરથી નીચે ફેંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસૂમ બાળકનું સારવાર દરમિયાન બ્રેઇન-હૅમરેજ થવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ મામલે પંતનગર પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકને ફેરવવા મુદ્દે શરૂ થયેલો ઝઘડો લોહિયાળ બન્યો
પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, રવિવારે રાત્રે આશરે ૧૦:૦૦ થી ૧૦:૩૦ વાગ્યાના સુમારે આ ઘટના આકાર પામી હતી. આરોપી પિતા જાફર શેખની પત્ની આરતી ખારવા પોતાના ૯ મહિનાના પુત્ર આરવ સાથે ઘાટકોપર સ્ટેશન નજીક આવેલા સ્કાયવૉક પર હતી. તે સમયે ત્યાં પહોંચેલા જાફરે અગાઉથી ઘરમાં ચાલી રહેલા કંકાસને લઈ પત્ની સાથે ગાળાગાળી અને બોલાચાલી શરૂ કરી હતી.

ઝઘડા દરમિયાન “બાળકને બહાર ફરવા કોણ લઈ જશે?” એ બાબતે તકરાર વધી ગઈ હતી. આવેશમાં આવી ગયેલા જાફરે આરતીના હાથમાંથી માસૂમ આરવને ઝૂંટવી લીધો હતો અને કંઈ પણ વિચાર્યા વગર તેને સ્કાયવૉક પરથી નીચે રોડ પર ફેંકી દીધો હતો.
સાયન હોસ્પિટલમાં બાળકે આખરી શ્વાસ લીધા
પોતાના કાળજાના કટકાને જમીન પર પટકાતો જોઈ હેબતાઈ ગયેલી માતા આરતી તરત જ નીચે દોડી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં આરવને સારવાર માટે નજીકની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. જોકે, બાળકની તબિયત વધુ નાજુક બનતાં તેને તાત્કાલિક સાયન હૉસ્પિટલના ઈન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ખસેડવામાં આવ્યો હતો. તબીબોની ભારે જહેમત છતાં માથાના ભાગે ગંભીર ઈજાઓને કારણે બ્રેઇન-હૅમરેજ થઈ જતાં સોમવારે બપોરે માસૂમ આરવે દમ તોડ્યો હતો.
નશાની લત અને રોજિંદા ઘરકંકાસે લીધો બાળકનો જીવ
સ્થાનિક સત્રો અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાફર શેખ દારૂ અને ડ્રગ્સ જેવા ઘાતક નશાનો ભારે બંધાણી છે. આ જ નશાની લતને કારણે પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી અવારનવાર વિવાદ અને મારપીટ થતી હતી. રવિવારે પણ નશાની હાલતમાં અને કૌટુંબિક કલેશના કારણે આ ખોફનાક ઘટના બની હતી.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
બનાવની જાણ થતાં જ પંતનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આરોપી જાફર શેખની ધરપકડ કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ હત્યા સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ કૃત્ય માત્ર ક્ષણિક ગુસ્સામાં કરવામાં આવ્યું હતું કે પછી આ પાછળ કોઈ અન્ય ઊંડું કારસ્થાન છે, તે દિશામાં પોલીસ હાલ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



