મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો મળતો નથી, તેમાંય મુંબઈની ‘લાઈફલાઈન’ લોકલ ટ્રેનમાં ખાસ કરીને પીકઅવર્સમાં પ્રવાસીઓને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે એ વાત મધ્ય રેલવેમાં પુરવાર થઈ છે. મુમ્બ્રા રેલવે સ્ટેશન નજીક ચાલતી લોકલ ટ્રેનમાંથી પડતા તેર જેટલા પ્રવાસી પડવાનો ચોંકાવનારો બન્યા હતો, જેનાથી પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ફરી ગંભીર સવાલો ઊભા થયા હતા. પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે વિપક્ષોની સાથે રેલવે પ્રવાસી સંગઠનોએ ઝાટકણી કાઢી હતી, જ્યારે રેલવેએ પણ પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે આગામી વર્ષોમાં ઓટોમેટિક ક્લોઝડોરવાળી લોકલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી. રેલવે ટ્રેક ક્રોસ કરવાનું હોય કે ચાલતી ટ્રેનમાં ઉતરવા-ચઢવાની વાત પણ જીવના જોખમે મુસાફરી કરવાનું પ્રવાસીઓ માટે જોખમી છે એ વાતમાં ના નહીં, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
કેટલા વાગ્યે અને કઈ રીતે બન્યો બનાવ?
મધ્ય રેલવેના મુમ્બ્રા સ્ટેશન નજીક સવારના 9.20 વાગ્યાના સુમારે બન્યો હતો. કસારાથી સીએસએમટી જનારી લોકલ ટ્રેન (અપ ફાસ્ટ)ના ફૂટબોર્ડ પર લટકીને મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ ભોગ બન્યા હતા, જ્યારે બીજી સીએસએમટીથી કર્જત જનારી લોકલ ટ્રેન (ડાઉન ફાસ્ટ)ના પ્રવાસી ભોગ બન્યા હતા. આ બંને ટ્રેન જ્યારે મુમ્બ્રા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ફૂટબોર્ડ પર પ્રવાસ કરી રહેલા અમુક પ્રવાસીઓ ચાલતી ટ્રેનમાંથી ટ્રેક પડ્યા હતા.

અકસ્માત પછી કલવા અને થાણેની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત પછી અપ એન્ડ ડાઉન લાઈનની લોકલ ટ્રેનસેવા પ્રભાવિત થઈ હતી. પ્રાથમિક માહિતી પૂરી પાડતા અધિકારીએ કહ્યું હતું કે કસારાથી સીએસએમટી લોકલ ટ્રેનના ગાર્ડના નિવેદન અનુસાર બે ચાલતી ટ્રેનમાંથી અમુક પ્રવાસીઓ મુમ્બ્રા સ્ટેશન (ડાઉન ફાસ્ટ લાઈન) નજીક પડ્યા હતા. આ અકસ્માત મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.
નવી લાઈનના નિર્માણ પછી જૂના ટ્રેક ચેન્જ કર્યાં નથી
રેલવે પ્રવાસી સંગઠને કહ્યું હતું કે રેલવેએ નવી લાઈન બનાવ્યા પછી હજુ પણ યોગ્ય રીતે નવી લાઈનનો ઉપયોગ કરતું નથી. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને વારંવાર છોડવામાં આવે છે, પરંતુ લોકલ ટ્રેનોને કલ્યાણ પછીના સ્ટેશનો પર રોકી દેવાય છે, તેથી ટ્રેનો મોડી પડે છે. એટલું જ નહીં, નવી લાઈન બનાવ્યા પછી જૂના ટ્રેક ચેન્જ કરવામાં આવ્યા નથી. મુમ્બ્રા સેક્શનમાં લોકલ ટ્રેનો સ્પીડમાં ક્યારેક ઝૂકતી હોય છે, તેથી ફૂટબોર્ડ પર ઊભેલા પ્રવાસીઓ પર પ્રેશર બિલ્ડ થાય છે અને જો કોઈ હેન્ડલ પક્ડયું ના હોય તો ટ્રેનમાંથી પડી શકે છે, એમ સંગઠને દાવો કર્યો હતો. આ મુદ્દે ડોંબિવલીના એક પ્રવાસીએ કહ્યું હતું કે મુમ્બ્રા સેક્શનમાંથી જ્યારે પણ લોકલ ટ્રેન પસાર થાય છે, સ્ટેશનથી લઈને ટનલ સુધીનો વળાંકમાં એક જર્ક લાગે છે, જે દરેક વખતે ડરામણો સાબિત થયો છે. આ વળાંકવાળી જગ્યામાંથી પસાર થતી વખતે જો પ્રવાસીઓ ફૂટબોર્ડ પર ટ્રાવેલ કરતા હોય તો તેમણે ટ્રેનને બરાબર પકડવાનું જરુરી રહે છે નહીં તો ટ્રેક પર પડવાની સંભાવના રહેલી છે, એમ અનિલ પાંડેએ જણાવ્યું હતું.

