સરકારે ઉત્તન-વીરાર સી લિંક (યુવીએસએલ) પ્રોજેક્ટને હવે વાઢવણ પોર્ટ સુધી વિસ્તૃત કરવાની મંજૂરી આપી છે. આ માર્ગ મુંબઈ- દિલ્હી એક્સપ્રેસ રોડ સાથે જોડાશે. આ નિર્ણયથી ઉત્તર-દક્ષિણ જોડાણ સુધારાશે અને મુંબઈના પશ્ચિમ માર્ગો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, એસ.વી. રોડ અને લિંક રોડ પરનો ભારે ટ્રાફિક દબાણ ઘટાડાશે.
મંત્રિમંડળે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)ને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (હુડકો) પાસેથી રૂ. 2,000 કરોડનું લોન ઉઠાવવા માટે સરકારની ગેરંટી આપવા મંજૂરી આપી છે. આ રકમનો ઉપયોગ વીરાર-અલીબાગ મલ્ટીપર્પઝ ટ્રાન્સપોર્ટ કોરિડોર માટે જમીન સંપાદનમાં કરવામાં આવશે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મંત્રાલય ખાતે યોજાયેલી કેબિનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો. ફડણવીસે જણાવ્યું કે ઉત્તન-વીરાર સી લિંકની કુલ લંબાઈ 55.12 કિમી રહેશે, જેમાંથી 24.35 કિમી મુખ્ય સી લિંક હશે અને બાકીની લંબાઈ ઉત્તન, વસઈ અને વીરાર કનેક્ટર્સ તરીકે હશે. કમિટીએ આ સી લિંકને વાઢવણ પોર્ટ સુધી વિસ્તૃત કરવાની મંજૂરી આપી છે, એમ તેમણે જણાવ્યું.

તે ઉપરાંત, સરકારે અગાઉના ઠરાવમાં સુધારા મંજૂર કર્યા છે જેથી હુડકો મારફતે નાણાં એકત્રિત કરવાની પ્રક્રિયા સરળ બને. અધિકારીઓએ જણાવ્યું કે આ નિર્ણય પછી વીરાર-અલીબાગ કોરિડોર માટેની જમીન સંપાદનની સમસ્યા દૂર થશે અને પ્રોજેક્ટના કામને ઝડપથી શરૂઆત મળી શકશે.
આ પ્રસ્તાવિત કોરિડોર 126.06 કિમી લાંબો રહેશે, જેમાંથી પ્રથમ તબક્કો 96.41 કિમી (મૌજે નવઘર, પાલઘરથી મૌજે બાલાવલી, પેન) ને બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (બીઓટી) આધારે મંજૂરી આપવામાં આવી છે. રૂ. 37,013 કરોડના ખર્ચે બનનાર આ કોરિડોર વીરારથી અલીબાગ વચ્ચેનો મુસાફરી સમય અડધો કરી દેશે.

નવી મુંબઈ એરપોર્ટને પણ જોડશે પ્રોજેક્ટનું નિર્માણ એમએસઆરડીસી દ્વારા હાથ ધરાશે. આ કોરિડોર જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી)ને નિર્માણાધીન નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અટલ સેતુ સાથે જોડશે, જેના કારણે મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર) અને ગોવા વચ્ચેનું જોડાણ વધુ ઝડપી અને સુગમ બનશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી મુંબઈના પશ્ચિમ વિસ્તારના વાહનવ્યવહાર પરનો ભાર નોંધપાત્ર રીતે ઘટશે અને રાજ્યના ઉત્તર-દક્ષિણ માર્ગ તંત્રને નવી દિશા મળશે.
For more details… Contact 9322529232 / 9324483455
