ઘાટકોપર-ઈસ્ટમાં એમ. જી. રોડ પર રામમંદિરની સામે ભાવેશ્વર બિલ્ડિંગ નજીક પાર્ક કરવામાં આવેલી એક કારનો કાચ તોડી ગઠિયાઓ બે લાખ રૂપિયાની રોકડ સેરવી ગયા હોવાની ફરિયાદ મંગળવારે રાતે તિલકનગર પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ઘાટકોપરમાં રહેતા અને મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા ૫૫ વર્ષના જિતેન મર્ચન્ટ મંગળવારે સાંજે સાડાપાંચ વાગ્યે પોતાની કાર પાર્ક કરીને નજીકમાં કામ માટે ગયા હતા. દરમ્યાન સાડાઆઠ વાગ્યાની આસપાસ પરત આવતાં તેમની કારનો કાચ તૂટેલી અવસ્થામાં જોયો હતો. આ મામલે પોલીસે નજીકના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

તિલકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘જિતેન મર્ચન્ટે ડ્રાઇવરની બાજુની સીટ પર બે લાખ રૂપિયા ભરેલી એક બૅગ મૂકી હતી. કામ પૂરું થયા બાદ જ્યારે તેઓ કાર નજીક પહોંચ્યા ત્યારે ડ્રાઇવરની બાજુની સીટનો કાચ તૂટેલી હાલતમાં જોયો હતો. કારના દરવાજા ખોલી અંદર તપાસતાં બે લાખ રૂપિયાની રોકડ ભરેલી બૅગ મળી આવી નહોતી. અંતે ચોરી થઈ હોવાની ખાતરી થતાં ઘટનાની જાણ અમને કરવામાં આવી હતી. આ મામલે નજીકના વિસ્તારમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજના આધારે અમે આરોપીની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.’
જિતેન મર્ચન્ટે કહ્યું હતું કે ‘મંગળવારે સાંજે મારા વ્યક્તિગત કામથી કાર પાર્ક કરીને ગયો હતો. જ્યારે હું પાછો ફર્યો ત્યારે મારી કારમાંથી પૈસા ચોરાયા હોવાની જાણકારી મને મળી હતી. છેલ્લા બે-ત્રણ દિવસમાં વ્યવસાયના કામ નિમિત્તે મળેલા પૈસા એ બૅગમાં મેં રાખ્યા હતા.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
