મોબાઈલનો કોલ ડિટેઈલ રેકોર્ડસ (સીડીઆર) સહિત ગોપનીય મોબાઈલ ડેટા ચોરીને સાઈબર ઠગોને વેચી મારનારા બે પોલીસની દળમાંથી હકાલપટ્ટી કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.થાણેમાં સાઈબર પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા સોપાન સુર્વે (36) અને હર્ષદ લક્ષ્મણ પરબ (31) નામના બે કોન્સ્ટેબલ ફોન ધારકોનો ડેટા ચોરીને સાઈબર ઠગોને વેચતા હતા એવો ઈન્ટેલિજન્સ રિપોર્ટ બાદ બંનેની હકાલપટ્ટી કરવામાં આવી હતી, એમ થાણે પોલીસ કમિશનરેટ દ્વારા જારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
બંને સંવેદનશીલ સીડીઆર, સબ્સ્ક્રાઈબર ડિટેઈલ રેકોર્ડસ (એસડીઆર) અને મોબાઈલ ફોન ઉપભોક્તાઓનો લોકેશન ડેટા ચોરીને રીઢા ગુનેગારો મહંમદ સોહેલ મહંમદ શબ્બીર રાજપૂત (28)ને આપતા હતા. આ વાત ધ્યાનમાં આવતાં જ થાણે પોલીસ કમિશનર આશુતોષ ડુંબરેએ સરકારી નોકર દ્વારા આ વિશ્વાસઘાતને ગંભીરતાથી લઈને બંને કોન્સ્ટેબલ વિરુદ્ધ કઠોર પગલાં લેવાનો આદેશ આપ્યો હતો, જે મુજબ 3 મેએ બંનેને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

તેમની બરતરફી બાદ તેમની વિરુદ્ધ 5 મેના રોજ સાઈબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303 (2) (ચોરી), 314 (મિલકતની ઉચાપત) અને 316 (5) (ફોજદારી વિશ્વાસઘાત) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) ધારાની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પ્રકરણની વધુ વ્યાપક તપાસ કરવા કેસ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ને સોંપવામાં આવ્યો છે. આ બંને કોન્સ્ટેબલ ઉપરાંત ફોનના ઉપભોક્તાઓનો ડેટા જેને વેચવામાં આવ્યો તે રીઢા ગુનેગારની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયને સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં 11 મે સુધી પોલીસ કસ્ટડીમા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
